સુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યા

સંપતિ પ્રેમિકાના નામે કરી દેશે તેવી શંકાએ ગળુ દબાવી પતાવી દીધા બાદ આપઘાતની સ્ટોરી ઘડી અંતિમ વિધિ કરી નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે…

સંપતિ પ્રેમિકાના નામે કરી દેશે તેવી શંકાએ ગળુ દબાવી પતાવી દીધા બાદ આપઘાતની સ્ટોરી ઘડી અંતિમ વિધિ કરી નથી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે એક ચોંકાવનારો હત્યા કેસ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, મહેશભાઈ નામના વ્યક્તિની ગળું દબાવીને હત્યા કર્યા બાદ ઘટનાને ગળે ફાંસો ખાધા હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતદેહને દોરડાથી છતના નકુચા સાથે લટકાવી પરિવારજનોએ ગામના લોકો અને સગાં-સંબંધીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ખાનગી બાતમીના આધારે સમગ્ર મામલે તપાસ શરૂૂ કરવામાં આવી હતી. શંકાસ્પદ પરિવારજનોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા ઘટનાની કડીઓ સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કોરડા ગામે રહેતા મહેશભાઈને દારૂૂ પીવાની ટેવ હતી અને તેઓ અવારનવાર દારૂૂના નશામાં ઘરે આવી પરિવાર સાથે ઝઘડો કરતા હોવાની માહિતી મળી છે. બીજી તરફ, મહેશભાઈ પોતાની પ્રેમિકા સાથે લિવ-ઇન સંબંધમાં રહેતા હતા.પોલીસના જણાવ્યા મુજબ, મહેશભાઈ પોતાના ભાગે આવતી જમીન અને અન્ય સંપત્તિ પોતાની પ્રેમિકાના નામે કરી દેશે તેવી પરિવારજનોને આશંકા હતી. આ બાબતને લઈને પરિવારજનોમાં નારાજગી હતી અને મહેશભાઈ સાથે બોલાચાલી પણ થઈ હતી.

ત્યારબાદ પરિવારના સભ્યોએ ભેગા મળી મહેશભાઈનું ગળું દબાવી દીધું હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસ તપાસ મુજબ, મહેશભાઈનું મોત થયા બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદથી બચવા માટે ઘટનાને અલગ સ્વરૂૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. મૃતદેહને દોરડું બાંધી ઘરની છતના નકુચા સાથે લટકાવી દેવામાં આવ્યો હતો, જેથી આસપાસના લોકોને ઘટનાની હકીકત અંગે ભ્રમ રહે. પરિવારજનોએ ગામના લોકો અને પોતાના સગાં-સંબંધીઓને પણ મહેશભાઈએ ગળે ફાંસો ખાધો હોવાનું કહીને ગેરમાર્ગે દોર્યા હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ પોલીસ અથવા હોસ્પિટલને જાણ કર્યા વિના અને પોસ્ટમોર્ટમની કાયદેસરની પ્રક્રિયા કરાવ્યા વગર મૃતદેહની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયાના કારણે ઘટનાના ભૌતિક પુરાવાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો.

સમગ્ર મામલે સુરેન્દ્રનગર કઈઇને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ઘટનાને શંકાસ્પદ માની તપાસ શરૂૂ કરી હતી. એલસીબીની ટીમે ઘટનાથી સંકળાયેલા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂૂ કરી અને પરિવારના સભ્યો પાસેથી ઘટનાક્રમ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન ઘટનાની હકીકત સામે આવી હતી. તપાસમાં મહેશભાઈનું ગળું દબાવીને મોત નિપજાવ્યા બાદ મૃતદેહને દોરડાથી લટકાવી ઘટનાને અલગ સ્વરૂૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસે જણાવ્યું છે.