ભાવનગરમાં ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફોર્મ નંબર 7 મારફતે ચોક્કસ સમાજના મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢવા ભાજપ દ્વારા ખોટા નામે અને ખોટી રીતે અરજીઓ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસે લગાવ્યો છે.
કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલે આ મામલે જણાવ્યું કે આ કોઈ ટેકનિકલ ભૂલ નહીં પરંતુ મતાધિકાર છીનવવાનું પૂર્વનિયોજિત ષડયંત્ર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવો જોઈએ.
લાલભા ગોહિલે વધુમાં જણાવ્યું કે અરજીઓ કરનાર તત્વોને ઓળખી લેવામાં આવ્યા છે. જેના પગલે રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે. આ સમગ્ર કૌભાંડ અંગે જાગૃત એડવોકેટ સાજીદભાઈ કાઝી દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા અને માહિતી એકત્રિત કરવામાં આવી છે જે ટૂંક સમયમાં સત્તાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે.
કોંગ્રેસે ચેતવણી આપતાં જણાવ્યું છે કે મતદાર યાદી સાથે ચેડાં કરનાર સામે કોઈ સમજૂતી નહીં થાય અને લોકશાહીની રક્ષા માટે જરૂૂર પડે ત્યાં સુધી આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
