દરેક શહેર-જિલ્લામાં બે બે નિરીક્ષકો દ્વારા આજથી સેન્સ પ્રક્રિયા, ઉપાધ્યક્ષ-મહામંત્રી-મંત્રી અને કોષાધ્યક્ષ માટે બનશે 3-3 નામોની પેનલ
પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્ર્વકર્માએ ચાર્જ સંભાળ્યા બાદ હવે આગામી 10 નવેમ્બર સુધીમાં ભાજપનું નવું સંગઠન તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા આ માટે 82 નિરીક્ષકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આ નિરીક્ષકો આગામી પાંચ દિવસ દરમિયાન સેન્સ પ્રક્રિયા હાથ ધરીને પોતાનો રિપોર્ટ મોવડી મંડળને સોંપશે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિરીક્ષકોના નામ જે તે શહેરને ફોન દ્વારા જણાવવામાં આવશે. શહેર અને જિલ્લામાં નવા ઉપાધ્યક્ષ મહામંત્રી અને મંત્રી માટે ત્રણ ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત કોષાધ્યક્ષના હોદા માટે પણ ત્રણ નામો મંગાવવામાં આવશે. આ 82 નિરીક્ષકો તમામ જગ્યાએથી પેનલ તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષને સોંપશે. આ સેન્સ પ્રક્રિયા પાંચ નવેમ્બર સુધીમાં પુરી કરવામાં આવશે.
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે સંગઠનમાં નિમણૂંકો અને ફેરફાર કરવાની કવાયત હાથ ધરવામાં આવતાં લોબીંગ પણ શરૂ થયું છે. સેન્સ પ્રક્રિયામાં શહેર-જિલ્લા ઉપરાંત વિધાનસભાના દંડક અને ઉપદંડક સહિતની જગ્યાઓ પર પણ આગામી સમયમાં નિમણૂંક થશે.
અન્ય શહેરોની જેમ રાજકોટ શહેર-જિલ્લામાં આ સેન્સ પ્રક્રિયા પાંચ નવેમ્બર સુધીમાં પુરી કરી લેવામાં આવશે. વર્તમાન મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને અશ્ર્વિન મોલિયા પણ મહામંત્રી પદ માટે ફરી દાવેદારી કરી રહ્યાં છે.
જો કે નવી ટીમમાં તેઓને સ્થાન મળે તેવી શકયતા ઓછી જોવા મળી રહી છે.
રાજકોટ શહેરમાં સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષખો ખુદ કોલ કરીને આવશે અને હાલ કોઈ તારીખ ફીકસ થઈ નથી.
આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને એક દિવસ માટે પ્રદેશની મીટીંગમાં જવાનું છે ત્યારે રાજકોટમાં આ પ્રક્રિયાની તારીખ આવતીકાલ સુધીમાં નક્કી થશે. રાજકોટમાં નિરીક્ષક તરીકે એક સિનિયર ભાજપના આગેવાન નક્કી થયા હોવાનું પણ જાણવા મળે છે. ટૂંકમાં આગામી 10 નવેમ્બર સુધીમાં ભાજપ પ્રદેશની નવી સંગઠનની ટીમ તૈયાર થઈ જાય તેવી સુચના મળી છે અને તેનું પાલન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
