મધ્યસ્થી માટે ભૂતપૂર્વ CGIની નિમણૂંક છતાંય નવી અરજી
સુપ્રીમ કોર્ટે મોટા ઉદ્યોગપતિ વિવાદિત સંજય કપૂરની માતા રાણી કપૂર અને તેમની પત્ની પ્રિયા કપૂર વચ્ચેના સંપત્તિ વિવાદને મહાભારતની લડાઈ કરતાં પણ વધુ વિકટ ગણાવ્યો છે. જસ્ટિસ જે. બી. પારદીવાલાની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલો રજૂ થયો ત્યારે કોર્ટે કહ્યું કે, આ પારિવારિક લડાઈમાં મહાભારત પણ ફીકું પડી જાય. સંજય કપૂરના અવસાન પછી તેમની માતા અને વિધવા પત્ની વચ્ચે સંપત્તિ અને ફેમિલી ટ્રસ્ટના કંટ્રોલ માટે લાંબા સમયથી કાનૂની લડાઈ ચાલી રહી છે.
7 મેના રોજ સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની સંમતિથી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને માધ્યસ્થી (મીડિયેટર) તરીકે નિયુક્ત કર્યા હતા અને પરિવારને વિવાદને ઘરમાં જ સુલઝાવવા તથા જાહેરમાં નિવેદનો ટાળવાની સલાહ આપી હતી. કોર્ટે માધ્યસ્થીનો પ્રાથમિક અહેવાલ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવાનું કહ્યું અને મામલો ઓગસ્ટ માટે મુલતવી રાખ્યો હતો. તેમ છતાં માત્ર થોડા દિવસમાં જ રાણી કપૂરે નવી અરજી દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના 7 મેના આદેશનું પાલન નથી થઈ રહ્યું. કોર્ટે આ અરજીને ગંભીરતાથી લઈને 14 મે (આવતીકાલે) સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. રાણી કપૂરે અગાઉની અરજીમાં ફેમિલી ટ્રસ્ટને નલ એન્ડ વોઈડ જાહેર કરવાની માંગ કરી હતી. આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ ક્વો જાળવવાની માંગ કરવામાં આવી છે.
