ભારતમાં લોકો પોતે ના કર્યું હોય તેનો પણ જશ ખાટવા માટે કોઈ પણ હદે જતાં વિચાર કરતાં નથી ત્યારે ડો. માધવી લતાએ બતાવેલા સ્પિરિટ અને પરિપક્વતાને સલામ કરવી જોઈએ. દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલ પુલના નિર્માણનો યશ ડો. માધવી લતાને આપીને સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે ડો. માધવીએ આ જશ લેવાનો સાફ ઈન્કાર કર્યો છે. ડો. માધવી લતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું છે કે, ચિનાબ પુલના નિર્માણનો શ્રેય મને ન આપવો જોઈએ. આ પુલના આયોજન, ડિઝાઇન અને બાંધકામનું બધું શ્રેય ભારતીય રેલવે અને નિર્માણ કરનારી કંપની એફકોન્સને જાય છે.
મારી ભૂમિકા એક જીયોટેકનિકલ પર્સન તરીકેની વ્યક્તિની હતી કે જેનું કામ ઢાળ પર બનાવાયેલા પાયાની ડિઝાઇન પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાનું જ હતું. ડો. માધવીએ લખ્યું છે કે, આ એક વ્યક્તિનું નહીં પણ હજારો લોકોની સામૂહિક મહેનતનું પરિણામ છે તેથી મને બિનજરૂૂરી રીતે જશ ના આપો. આ મિશનને એક મહિલાએ અશક્યને શક્ય બનાવ્યું અને પુલ બનાવવા માટે ચમત્કાર કર્યો એવી મીડિયાની વાતો દમ વિનાની છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ માધવી લતાને પુલ પ્રોજેક્ટ માટે 17 વર્ષ સમર્પિત કરવા બદલ અભિનંદન આપ્યા પછી અભિનંદનનો મારો ચાલુ થયો. મીડિયાએ વાતમાં મીઠું મરચું ભભરાવીને આખા પ્રોજેક્ટનો જશ જ માધવી લતાને આપી દીધો. ડો. માધવી લતાની સ્પષ્ટતા મહત્ત્વની છે કેમ કે ભાગ્યે જ કોઈ આ રીતે મફતમાં મળી રહી નામનાને નકારે છે. ડો. માધવી લતાએ શરૂૂઆત કરી જ છે તો આ પ્રોજેક્ટ વિશે બીજી થોડી વાસ્તવિક્તાઓ પણ જાણી લેવી જોઈએ. મોદી સરકારે આ પ્રોજેક્ટને ઝડપથી પાર પાડીને બહુ મોટું કામ કર્યું તેમાં શંકા નથી પણ આ પ્રોજેક્ટ વિદેશી મદદથી બનેલો છે.
તેમાં કશું ખોટું નથી કેમ કે ગ્લોબલાઈઝેશનના આ જમાનામાં દુનિયામાં મોટા ભાગના મહાન પ્રોજેક્ટ વૈશ્વિક સહકારથી જ બને છે. ભારતમાં પહાડી વિસ્તારોમાં બોગદાંને કાપીને રેલવે બ્રિજ બનાવવામાં કોંકણ રેલ્વે કોર્પોરેશને ભારે સફળતા મેળવી હોવાથી ભારતીય રેલવેએ નોર્ધર્ન રેલવે વતી કોંકણ રેલ્વે કોર્પોરેશનને પુલ નિર્માણ પ્રોજેક્ટનું કામ સોંપેલું. આ પુલ દ્વારા કાશ્મીરને ભારતીય રેલવેની વર્તમાન લાઇનો સાથે જોડવાનો હોવાથી પ્રોજેક્ટ રાષ્ટ્રીય ગૌરવનો હતો. આ કારણે આ પુલને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતને પરમાણુ મહાસત્તા બનાવવાનો યશ ડો. હોમી ભાભા અને ડો. વિક્રમ સારાભાઈ જેવા પરમાણુ સંશોધનમાં પાયાનું કામ કરનારા મહાન વિજ્ઞાનીઓથી શરૂૂ કરીને ડો. રાજા રામન્ના સહિતના લોકોને જાય છે પણ મીડિયાની અજ્ઞાનતાના કારણે એ બધા અનસંગ હીરો રહી ગયા ને ડો. કલામ હજુય પૂજાયા કરે છે.
