એક ઐતિહાસિક ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે ટૂંકી મુદતનો ગર્ભ રેલ્વે કાયદા હેઠળ સ્વતંત્ર વળતર મેળવવાનો હકદાર “વ્યક્તિ” છે. કોર્ટે રેલ્વે પ્રશાસનને 2018 માં ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા તેમના મૃત જન્મેલા બાળકના મૃત્યુ માટે જયપ્રકાશ ઘાસીટેલને 9 ટકા વ્યાજ સાથે 8 લાખ રૂૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.
જયપ્રકાશ અને તેમની પત્ની, ઉષા દેવી, જે નવ મહિનાની ગર્ભવતી હતી, 15 એપ્રિલ, 2018 ના રોજ કિમથી કાનપુર જઈ રહ્યા હતા, ત્યારે ભીડને કારણે તેમને ટ્રેનના દરવાજા પાસે ઊભા રહેવાની ફરજ પડી.
અચાનક થયેલા આંચકાને કારણે ઉષા દેવી ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ. બાદમાં તેણીનું મોત થયું અને બાળક મૃત જન્મ્યું. ક્લેમ્સ ટ્રિબ્યુનલે અગાઉ ઉષા દેવીના મૃત્યુ માટે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ બાળક માટે અલગ દાવાને ફગાવી દીધો હતો.
ટ્રિબ્યુનલના નિર્ણયને ઉલટાવીને, ન્યાયાધીશ એચ.સી. દોશીએ ઠરાવ્યું કે નવ મહિનાનો ગર્ભ “બધા વ્યવહારિક અને કાનૂની હેતુઓ માટે, અસ્તિત્વમાં રહેલું બાળક” છે. કોર્ટે ચુકાદો આપ્યો કે મૃત જન્મેલા બાળકને અકસ્માતનો સ્વતંત્ર ભોગ બનનાર તરીકે અલગ વળતર મેળવવાનો હકદાર છે.
હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશને “સ્પષ્ટપણે ગેરકાયદેસર” ગણાવ્યો અને કહ્યું કે કાયદાના ઉદાર અર્થઘટનમાં મૃત જન્મેલા બાળકને વાસ્તવિક મુસાફરની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવામાં આવશે. અપીલકર્તા વતી હાજર રહેલા એડવોકેટ રથિન રાવલે જણાવ્યું હતું કે રેલ્વે દાવાઓના ન્યાયશાસ્ત્રમાં ગુજરાતમાં આ પ્રકારનો પહેલો ચુકાદો છે.
