ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું છે. ગુજરાતમાં હવે એનસીપીના બે ફાંટા જોવા મળી રહ્યાં છે. અજિત પવાર ગ્રુપે એનસીપીના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની આજે વરણી કરી છે. જ્યારે બીજું ગ્રુપ જયંત બોસ્કી ગ્રુપ છે કે જે શરદ પવાર ગ્રુપ તરીકે ગુજરાતમાં ઓળખાશે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં આ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.
પ્રમુખ બન્યા બાદ ગુજરાતમાં નવું સંગઠન પણ જાહેર કરવામાં આવ્યું. જ્યાં સંગઠનનાં ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી એનસીપી લડવાના મૂડમાં છે. ત્યારે ગઠબંધન વગર એકલા હાથે એનસીપીએ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા અંગે આજે એલાન કર્યું હતું. લોકો વચ્ચે નશાબંધી, દારૂબંધી, યુવાઓ, ખેડૂતોનાં પ્રશ્નો પ્રજા વચ્ચે લઈને જશે. જોકે જયંત બોસ્કી દ્વારા હજુ સુધી શરદ પવાર ગ્રુપની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં એનસીપીએ 41 બેઠકો જીતી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 71 ટકા રહ્યો છે. અજિત પવારની ગઈઙ 35 સીટો પર શરદ પવારની ગઈઙ સામે હતી. તેમાંથી અજિત પવારની ગઈઙને 29 બેઠકો જીતી. જ્યારે શરદ પવારની એનસીપીને માત્ર 6 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં એનસીપી પર અજિત પવારનો દાવો વધુ મજબૂત બન્યો છે. ત્યારે ગુજરાતમાં પણ એનસીપી ધીમે ધીમે પોતાનો દબદબો વધારી રહ્યું છે. અજિત પવારનું ગ્રુપ એનસીપી હવે ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કરીને સૌથી પહેલાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યું છે.