પીડાતા આતમ પંખીનું કાનૂની મંજૂરીથી અનંત ભણી ઉડ્ડયન

સુપ્રીમ કોર્ટે 31 વર્ષના હરીશ રાણાને ઇચ્છામૃત્યુ એટલે કે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી એ સાથે જ ફરી એક વાર ઈચ્છા મૃત્યુનો મુદ્દો ચર્ચામાં છે. સુપ્રીમ…

સુપ્રીમ કોર્ટે 31 વર્ષના હરીશ રાણાને ઇચ્છામૃત્યુ એટલે કે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી એ સાથે જ ફરી એક વાર ઈચ્છા મૃત્યુનો મુદ્દો ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે 2018માં કોમન કોઝ નામની સંસ્થાની અરજીને સ્વીકારીને યુથેનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુને શરતી માન્યતા આપી હતી પણ અત્યાર સુધી કોઈ કેસમાં તેનો અમલ નહોતો થયો. સુપ્રીમની મંજૂરીના કારણે હરીશ રાણા આ ચુકાદાના આધારે ઇચ્છામૃત્યુને ભેટનારી પહેલી વ્યક્તિ બનશે. હરીશના પરિવારની અરજી પહેલાં ફગાવી ચૂકેલી સુપ્રીમ કોર્ટે હવે હરીશને ઈચ્છામૃત્યુની મંજૂરી આપીને પુણ્યનું કાર્ય કર્યું છે. આ ચુકાદાના કારણે હરીશને તો મુક્તિ મળશે જ પણ પોતાના દીકરાને જીવતો હોવા છતાં જીવંત નહીં જોઈને રોજેરોજ માનસિક યાતના ભોગવતાં તેના વૃદ્ધ માતા-પિતા તથા નાના ભાઈને પણ રાહત મળશે.

હરીશના મોતનું દુ:ખ તેમને થાય પણ તેની હાલની હાલતથી પરિવાર વધારે દુ:ખી છે તેથી જ ઈચ્છામૃત્યુની માગ કરતી અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદા છતાં કોઈને ઈચ્છામૃત્યુ ના મળ્યું તેનું કારણ એ હતું કે, સુપ્રીમ કોર્ટે મરી જવા માગતી દરેક વ્યક્તિને ઈચ્છામૃત્યુનો અધિકાર નહોતો આપ્યો પણ વેજિટેટિવ સ્ટેટમાં જીવતી વ્યક્તિને જ ઈચ્છામૃત્યુનો અધિકાર આપ્યો હતો. વેજિટેટિવ સ્ટેટ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિના શ્વાસ ચાલતા હોય તેથી દાક્તરી ભાષામાં જીવંત કહી શકાય પણ તે મૃત:પ્રાય અવસ્થામાં પથારીમાં પડી હોય. ઘણા કિસ્સામાં લાઈફ સપોર્ટ સિસ્ટમના આધારે જીવતી હોય ને તેના ફરી હરતાફરતા થવાના કોઈ ચાન્સ ના હોય. આ વ્યક્તિ ફરી હરીફરી શકવાની નથી એવું મેડિકલ બોર્ડ પ્રમાણિત કરી આપે તો તેને ઈચ્છામૃત્યુનો અધિકાર હોવાનું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું.

હરીશ રાણા સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ માટે નક્કી કરેલાં ધારાધોરણોમાં એકદમ ફિટ બેસે છે. હરીશ રાણા 2013માં એક બિલ્ડિંગના ચોથા માળેથી પડી જતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી કોમામાં જ છે. ડોકટરોના મતે, હરીશના સાજા થવાની શક્યતા લગભગ નહિવત છે. છેલ્લાં 13 વર્ષથી વધુ સમયથી કોમામાં છે અને પથારીમાં પડ્યો પડ્યો જીવે છે, હરીશ ભવિષ્યમાં પણ આ રીતે જ જીવશે તેથી તેના પરિવારે તેના જીવનનો અંત લાવવા માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ અરજી માન્ય રાખીને દિલ્લીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (ઍઇમ્સ)ને ફરમાન કર્યું છે કે, રાણાને પેલિયેટિવ કેરમાં દાખલ કરવામાં આવે. દર્દીઓને યાતનાઓમાંથી મુક્તિ આપતી સારવારને પેલિયેટિવ કેર કહે છે. હરીશ મરવાના વાંકે જીવી રહ્યો છે તેથી તેના કિસ્સામાં જીવનનો અંત જ યાતનાઓમાંથી મુક્તિ આપી શકશે તેથી સુપ્રીમ કોર્ટના આદેશનો અર્થ એ થાય કે, ધીરે ધીરે હરીશના જીવનનો અંત લાાવવામાં આવશે.

લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોય તેને સપોર્ટ દૂર કરીને મોત આપી શકાય પણ હરીશ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર નથી પણ લાઈફ-સસ્ટેઈનિંગ ટ્રીટમેન્ટ પર છે. મતલબ કે, હરીશને ફીડિંગ ટ્યુબ્સ દ્વારા ભોજન, પાણી વગેરે પોષણ આપીને જીવતો રખાઈ રહ્યો છે. આ સંજોગોમાં હરીશના જીવનનો અંત લાવવા માટે મેડિકલ ઉપાય અજમાવીને ફીડિંગ ટ્યુબ્સ દૂર કરી દેવાશે. પોષણ નહીં મળે એટલે હરીશનું શરીર નબળું પડશે ને તેને કુદરતી મોત મળશે. ઈચ્છામૃત્યુમાં એક રસ્તો ડોક્ટરો દ્વારા ઈજેક્શન આપીને કે બીજી કોઈ રીતે મોત આપવાનો પણ છે પણ હરીશના કિસ્સામાં એ રસ્તો નહીં અપનાવાય કેમ કે ભારતમાં એક્ટિવ યુથેનેશિયા પર પ્રતિબંધ છે.

હરીશ રાણા માત્ર 32 વર્ષનો છે. આ ઉંમર જિંદગીને માણવાની હોય છે ત્યારે તેને ડોક્ટરો જાતે મોતના મુખમાં મૂકશે એ આઘાતજનક કહેવાય પણ હરીશના જીવનની કરૂૂણાંતિકાને જાણશો તો સમજાશે કે એ સિવાય બીજો વિકલ્પ જ નથી. હરીશ જાબ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો ને એન્જિનિયર બનીને સુખી જિંદગી જીવવાનાં સપનાં જોતો હતો ત્યાં 20 ઓગસ્ટ, 2013ના રોજ બનેલી દુર્ઘટનાએ તેના અને તેના પરિવારનાં તમામ સપનાંને ચકનાચૂર કરી નાખ્યાં. ચંદીગઢમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હરીશ પીજી બિલ્ડિંગના ચોથા માળેથી પડી જતાં માથામાં ગંભીર ઈજાઓ થઈ. તેના કારણે હરીશ કોમામાં જતો રહ્યો ને મૃતપ્રાય: થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *