જાવંત્રી ગીરમાં જમીન વિવાદમાં ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટનામાં વૃધ્ધાની હત્યા

તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં 54 વીઘા જમીનના વિવાદને કારણે એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં આરોપીઓએ મકાનને આગ લગાડી હતી. પોલીસે આ…

તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં 54 વીઘા જમીનના વિવાદને કારણે એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં આરોપીઓએ મકાનને આગ લગાડી હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને છ શંકાસ્પદોને રાઉન્ડઅપ કર્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, જમીન વિવાદમાં કોર્ટના આદેશથી કબજો મેળવનાર પરિવારના મકાન પર હારેલા પક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ જામગરી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું અને કાચની બોટલોમાં પેટ્રોલ ભરી પેટ્રોલ બોમ્બ બનાવી મકાન પર ફેંક્યા હતા, જેના કારણે મકાનમાં આગ લાગી હતી.
મકાનમાં હાજર પરિવારના સભ્યો પોતાનો જીવ બચાવવા બહાર ભાગી છૂટ્યા હતા. જોકે, 75 વર્ષીય વૃદ્ધા હુસેનાબેન બહાર નીકળી શક્યા ન હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા અને ડીવાયએસપી ખેંગારની સૂચનાથી તાલાલા પીઆઈ એ.બી. ગોહિલે એક સર્વેલન્સ ટીમ બનાવી હતી. આ ટીમે ભાગી છૂટેલા આરોપીઓનું પગેરું શોધી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ ગુનામાં સામેલ હોવાની શંકાના આધારે અન્ય છ શંકાસ્પદોને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલાલા પંથકમાં ચકચાર મચાવનાર આ ઘટનાને પગલે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *