છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યો

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો…

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ કેસ સંબંધિત કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના પરિસરમાં તેમજ રાજ્યમાં અન્ય કેટલાક વ્યક્તિઓ સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ વહેલી સવારે ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે.

ભૂપેશ બઘેલના કાર્યાલયથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે, સાત વર્ષથી ચાલી રહેલા ખોટા કેસને કોર્ટમાં ફગાવી દેવામાં આવ્યો હતો, ત્યારે આજે સવારે પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ મહાસચિવ ભૂપેશ બઘેલના ભિલાઈમાં EDના મહેમાનો પ્રવેશ્યા છે. જો કોઈ આ ષડયંત્ર દ્વારા પંજાબમાં કોંગ્રેસને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો તે ગેરસમજ છે.

EDએ દાવો કર્યો છે કે છત્તીસગઢના દારૂના કૌભાંડે રાજ્યની તિજોરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે દારૂના સિન્ડિકેટે કથિત રીતે ગુનાની કાર્યવાહી તરીકે રૂ. 2,100 કરોડથી વધુની ગેરરીતિ કરી છે. આ કેસના સંબંધમાં રાજ્ય સરકારના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

ED છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે. આ મામલે ED, ACBમાં FIR દાખલ કરવામાં આવી હતી. નોંધાયેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું હતું કે 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ સામેલ હતું. EDને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે તત્કાલીન ભૂપેશ સરકારના કાર્યકાળ દરમિયાન IAS અધિકારી અનિલ તુટેજા, એક્સાઇઝ વિભાગના એમડી એપી ત્રિપાઠી અને ઉદ્યોગપતિ અનવર ઢેબરની સિન્ડિકેટ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

એજન્સીએ દાવો કર્યો છે કે અનિલ તુટેજા 2019-23ના સમયગાળા દરમિયાન થયેલા ગેરકાયદેસર નફાનો અભિન્ન હિસ્સો હતો. આ નાણાં કથિત રીતે ડિસ્ટિલર્સ પાસેથી લેવામાં આવેલી લાંચ અને સરકારી દારૂની દુકાનો દ્વારા દેશી દારૂના બિનહિસાબી વેચાણ દ્વારા આવ્યા હતા. જો કે, ગયા વર્ષે 8 એપ્રિલના રોજ, સુપ્રીમ કોર્ટે છત્તીસગઢમાં કથિત રૂ. 2,000 કરોડના દારૂના કૌભાંડમાં તુટેજા અને તેમના પુત્ર યશ સામેના મની લોન્ડરિંગ કેસને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે તેમાં ગુનાની કોઈ કાર્યવાહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *