ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વિકાસ સહાયનો એક્સટેન્શન સાથેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયો છે. આજે વર્ષના છેલ્લા દિવસે ગુજરાતને ડો.કે. એલ.એન. રાવના રુપમાં નવા ડીજી પી મળ્યા છે. ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. બીજી તરફ ગઈકાલે વિકાસ સહાયને પોલીસ અધિકારીઓ દ્વારા ભવ્ય વિદાયમાન અપાયું હતું.
રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે. કે.એલ.એન.રાવના નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે. હાલ તેમને ડી.જી.પી.નો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
અભ્યાસની વાત કરીએ તો M.Sc., Ph.D કરેલ છે. તેઓ ટીની (તેલંગાણા) ના વતની છે અને 1992 બેચના આઈપીએસ ઓફીસર છે. તેમનું હાલનું પોસ્ટિંગ CID ક્રાઈમના વડા તરીકે છે. તેઓ ઓક્ટોબર-2027 માં નિવૃત થવાના છે.
ડો. કે.એલ.એન. રાવની અન્ય પોસ્ટિંગ વિશે વાત કરીએ તો, તેઓ જિલ્લા પોલીસવડા તરીકે ખેડા, હિંમતનગર, મહેસાણા જેવા જિલ્લાઓમાં સેવા આપી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. રાવ ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે પણ રહી ચૂક્યા છે.
નોંધનિય છે કે, ડો. કે. એલ. એન. રાવ કડક અધિકારી તરીકે કામ કરવા માટે પ્રખ્યાત છે. એટલું જ નહીં ખુબ સારી રીતે રાજ્યની તમામ જેલોનું મેનેજમેન્ટ પણ કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન જેલમાં પણ કેદી ભાઇઓ માટે અનેક સારા કાર્યો કર્યા હતા. તેઓ પોતાની કારકિર્દી દરમિયાન કોઈ મોટા વિવાદમાં પણ આવ્યા નથી. આમ તેઓ સ્વચ્છ છબી ધરાવે છે.
ડો. કે.એલ.એન. રાવની સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અધિકારી બેડામાં ચર્ચા હતી કે નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકની પસંદગી પણ થઈ શકે છે.
