ગાંધીનગર મનપાની ચૂંટણી ટાણે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક બીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે. ગઈકાલે (મંગળવારે) ગાંધીનગર મનપાના વોર્ડ નંબર-6ની જાહેર સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. બેનર ફાડવા મુદ્દે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે રાત્રે બેનરો ના ફડાય, રાત્રે કોઈને ખબર ના હોય એવી રીતે બેનર ના ફડાય. જો તમારામાં તાકાત હોય તો 56 ઇંચની છાતી હોય તો દિવસે બેનરો ફાડજો, તો તમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નહીં. પોલીસ અહીંથી બધાને ધમકી આપે છે રિક્ષાવાળાને અને બધાને એસપી ખુદ ફોન કરે છે.
ગાંધીનગર મનપાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના બેનરો ફાડી નાખવાની ઘટના બની છે. આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ અને પોલીસ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, “રાત્રે કોઈને ખબર ન પડે તે રીતે બેનરો ન ફાડાય. જો તમારામાં તાકાત હોય અને 56 ઇંચની છાતી હોય, તો દિવસે આવીને સામે ચાલીને બેનરો ફાડી બતાવો. જો કોંગ્રેસના આગેવાનો તમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દે તો કહેજો. સભા દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ દ્વારા પ્રચારમાં રોકાયેલા નાના વર્ગના લોકોને હેરાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, “અહીંથી પોલીસ બધાને ધમકીઓ આપી રહી છે.
રિક્ષાચાલકોથી લઈને સામાન્ય લોકોને ખુદ એસ.પી. ફોન કરીને ધમકાવે છે. ગુજરાત પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કરતા ગેનીબેને જણાવ્યું હતું કે, “જો તમારામાં ખરેખર ડ્યુટી પ્રત્યેની ફરજ અદા કરવાની તાકાત હોય, તો કાર્યકરોને ધમકાવવાને બદલે ફતેપુરા સહિતના વિસ્તારોમાં જે રેલમછેલ દારૂૂ વેચાઈ રહ્યો છે તે બંધ કરાવો. દારૂૂના વેપારમાંથી મહિને હપ્તા ઉઘરાવવામાં આવે છે. ગરીબ સમાજના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને નાની ઉંમરે બહેનો વિધવા બની રહી છે, છતાં તંત્રને આ દૃશ્ય દેખાતું નથી.
