ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દિગ્ગજ સર ડોન બ્રેડમેનની પ્રતિષ્ઠિત ’બેગી ગ્રીન’ કેપ ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી હરાજીમાં અંદાજે ₹4.22 કરોડમાં વેચાઈ છે. બ્રેડમેનની માલિકીની કોઈપણ કેપ માટે અત્યાર સુધી ચૂકવવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે.આ કેપ માત્ર તેની કિંમતને કારણે નહીં, પણ તેના ભારતીય જોડાણને કારણે પણ ખાસ છે. 1947-48માં જ્યારે ભારત પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયું હતું, ત્યારે ડોન બ્રેડમેને આ કેપ ભારતીય ક્રિકેટર શ્રીરંગા વાસુદેવ સોહોનીને ભેટમાં આપી હતી.
સોહોની પરિવારે આ અમૂલ્ય વારસાને છેલ્લા 75 વર્ષથી અત્યંત જતનપૂર્વક સાચવી રાખ્યો હતો. લોયડના ઓક્શનિયર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર લી હેમ્સે આ કેપની સાચવણી વિશે એક રોમાંચક વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, સોહોની પરિવારમાં આ કેપને એટલી સુરક્ષિત રાખવામાં આવતી હતી કે પરિવારના સભ્યને પણ 16 વર્ષની ઉંમરે તેને માત્ર પાંચ મિનિટ માટે જોવાની મંજૂરી આપવામાં આવતી હતી. તે ત્રણ પેઢીઓ સુધી પેટીમાં બંધ રહી હતી. આ પૂર્વે 2024માં બ્રેડમેનની એક અન્ય ટોપી, જે સૂર્યપ્રકાશ અને જંતુઓને કારણે થોડી નુકસાન પામી હતી, તે ₹2.85 કરોડમાં વેચાઈ હતી. તેની સરખામણીએ સોહોની પરિવાર પાસે રહેલી આ કેપ સારી સ્થિતિમાં હોવાથી તેણે કિંમતનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
