ઘરમાં જ બનાવ્યું ડોકટર ખોડિયાર મંદિર, માતાજીને ડોકટરના કપડા પહેરાવી ઇમર્જન્સી-આઇસીયુ જેવા પાટિયા પણ માર્યા
હોસ્પિટલોમાં જઇ દર્દીઓની ‘વિધિ’ કરી વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતો, 12 લાખ વ્યૂસ મળ્યા
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં જઇ ભુવાએ દર્દી ઉપર મંત્ર-તંત્ર કરી સારવાર કર્યાનો અને ભુવાનુ ફૂલોની સેજ .પર સ્વાગત કરયાનો વીડિયો વાઇરલ થયા બાદ સરકાર એકશનમાં આવી છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ભુવા સામે નવા કાયદા મુજબ ફરિયાદ દાખલ કરવા સિવિલ સર્જનને સૂચના આપી છે. ત્યારે સોશ્યિલ મીડિયા ઉપર આ ડોકટર ભુવાની લીલા પણ અપરંપાર હોવાનુ બહાર આવ્યુ છે. આ ભુવાના સોશ્યિલ મીડિયામાં 80 હજાર જેટલા ફોલોવર્સ છે.
આ ભૂવાએ પોતાના મંદિરમાં રાખેલા માતાજીને ડોક્ટરના કપડાં પહેરાવ્યા છે અને મંદિરમાં હોસ્પિટલ જેવો માહોલ ઊભો કર્યો છે. સાથે અહીં દર્દી અને તેના પરિજનોને બોલાવી તેની વિધિના સમત્કારથી જ દર્દી સાજો થયો છે તેવો દાવો પણ કરી રહ્યો છે.
અમદાવાદની અસારવા સિવિલમાં જઈને વિધિ કરનાર ભૂવાનું નામ મુકેશ ભૂવાજી હોવાનું સામે આવ્યું છે અને તે ખોડિયાર માતાનો ભક્ત હોવાની ચર્ચા છે. ભૂવાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાનું નામ ડોક્ટર ખોડિયાર રાખ્યું છે.
આ ભૂવાના સોશિયલ મીડિયામાં 80,000થી વધુ ફોલોવર્સ છે. ભૂવાએ સિવિલ હોસ્પિટલનો વીડિયો બનાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો, જેમાં 12 લાખ જેટલા વ્યૂસ પણ મળ્યા હતા. ભૂવો હોસ્પિટલમાં જઈ વિધિ કરી તેનો વીડિયો બનાવતો હતો. અને સોશ્યિલ મીડિયામાં વાઇરલ કરી દર્દીને સાજા કરતા હોવાનો દાવો કર્યો હતો.
ભૂવાએ માત્ર સિવિલ હોસ્પિટલમાં જ આવીને વિધિ નથી કરી, પરંતુ સોનાઇડા ગામની હોસ્પિટલમાં જઈને પણ દર્દીને મળીને વિધિ કરી છે. ડોક્ટરને ચેલેન્જ કરીને પોતે દર્દીઓને સાજા કર્યા હોય તેવા અનેક વીડિયો બનાવીને ભૂવાએ સોશિયલ મીડિયામાં મૂક્યા છે. લોકો પણ આ ભૂવાની અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે. ભૂવાના સોશિયલ મીડિયાના પેજના વીડિયોમાં વ્યુ પણ લાખોએ પહોંચ્યા છે.
અન્ય એક વીડિયોમાં એક દર્દીનો વીડિયો મૂક્યો છે, જેમાં દર્દી ડોક્ટરથી નહિ, પરંતુ ભૂવાથી સાજો થયો હોવાનું બતાવી રહ્યો છે.ભૂવાએ પોતાના ઘરે ખોડિયાર માતાનું મંદિર બનાવ્યું છે, જેમાં ડોક્ટર ખોડિયાર મંદિરનું નામ આપેલું છે.
આ મંદિરમાં ભૂવાએ મા ખોડિયારને ડોક્ટરના કપડા પહેરાવ્યા છે અને ત્યાં ઇમર્જન્સી, આઈસીયુ જેવા અલગ-અલગ બોર્ડ પણ મારેલા છે. તથા નાના બાળકના સ્વરૂૂપમાં પૂતળું મૂકીને દાખલ કર્યું હોય તેમ લોહીની બોટલ ચડાવીને આજુબાજુ દવાઓ પણ મૂકી છે. મંદિરમાં જ જાણે હોસ્પિટલ હોય તેઓ માહોલ ભૂવાએ ઊભો કર્યો છે. આ સાથે માતાજીના ગળામાં સ્ટેથોસ્કોપ પણ લગાવ્યું છે.
અંધશ્રદ્ધાના નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાવશે
અમદાવાદના આ ભૂવા સામે અંધશ્રદ્ધાના કાયદા મુજબ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે. આ ભૂવાએ સિવિલ હોસ્પિટલમાં પણ પ્રતિબંધિત જગ્યાએ જઈને વીડિયો ઉતાર્યો હતો, જે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલા દર્દીઓની હોસ્પિટલમાં જઈને આ રીતે વિધિ કરી છે તે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.