ફાટીને ધૂમાડે ગયેલી મોંઘવારીમાં ભેગું થતું નથી, પગાર-ભથ્થા વધારો માંગતા જિલ્લા પંચાયત સભ્યો

લોકસેવા માટે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના લગભગ તમામ સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને માનદ વેતન આપવાની માગણી કરાઈ…

લોકસેવા માટે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના લગભગ તમામ સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને માનદ વેતન આપવાની માગણી કરાઈ છે. લોકોની સેવા માટે ચૂંટાયેલા સભ્યોને વેતનની જરૂૂરિયાત ઊભી થઈ હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતના સભ્ય રમીલાબેન મુકેશભાઈ મેરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. હાલની મોંઘવારી ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા સભ્યોને મળતા પ્રવાસ સહિતના અન્ય અનુસાંગિક ભથ્થામાં પણ વધારો કરવાની માગણી કરાઈ છે.

રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્યની જિલ્લા પંચાયતોમાં પ્રજાના સીધા મતથી ચૂંટાયેલા સભ્યો ગ્રામ્ય વિસ્તારના વિકાસ, સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ મતવિસ્તારમાં લોકસંપર્ક જાળવે છે, પ્રજાના પ્રશ્નો રજૂ કરે છે અને જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકોમાં ભાગ લઈ વિકાસલક્ષી કામગીરીમાં સમય ફાળવે છે.

આ કામગીરી દરમિયાન સભ્યોને અનેક ખર્ચ અને જવાબદારીઓનો સામનો કરવો પડે છે. મતવિસ્તારમાં પ્રવાસ કરી પ્રજાના પ્રશ્નો સાંભળવા, સ્થળ પર જઈ સમસ્યાઓની જાણકારી મેળવવા અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે સમય તેમજ નાણાં બંને ખર્ચાય છે. આથી લોકસેવાને પ્રોત્સાહન મળે અને સભ્યો જવાબદારી વધુ અસરકારક રીતે નિભાવી શકે તે માટે યોગ્ય માનદ વેતન અથવા માનદ ભથ્થું આપવામાં આવે તેવી માગણી કરાઈ છે. વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખી પ્રવાસ ભથ્થું સહિતના અન્ય ભથ્થામાં વધારો કરવા સરકાર વિચારણા કરે તેવી રજૂઆત પણ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *