સમગ્ર ગુજરાતના વકીલોની સર્વોચ્ચ સંસ્થા ’બાર કાઉન્સિલ ઓફ ગુજરાત’ (BCG) ની ચૂંટણીના અંતિમ પરિણામોમાં રાજકોટના ફાળે મોટી સફળતા આવી છે. ભારે રસાકસી બાદ જાહેર થયેલા પરિણામોમાં રાજકોટના જાણીતા એડવોકેટ દિલીપ પટેલ અને અમૃતાબેન અભયભાઈ ભારદ્વાજ વિજેતા બન્યા છે. આ જીત સાથે જ રાજકોટના વકીલ મંડળમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. જયારે પીઢ ધારાશાસ્ત્રી જે.જે. પટેલે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે.દિલી પટેલે તેમની પાયાના સ્તરની કામગીરી અને વકીલોના પ્રશ્નો માટેની સતત લડતને કારણે તેઓ મોટા માર્જિન સાથે વિજેતા બન્યા છે.
અભયભાઈ ભારદ્વાજના વારસાને આગળ ધપાવતા અમૃતાબેને મહિલા વકીલો જ નહીં પણ સમગ્ર વકીલ આલમમાં પોતાનો પ્રભાવ પાડી શાનદાર જીત મેળવી છે.બીજી તરફ લોકપ્રિય અને પીઢ ધારાશાસ્ત્રી જે. જે. પટેલે આ ચૂંટણીમાં માત્ર વિજય જ નથી મેળવ્યો, પરંતુ એક એવો ઐતિહાસિક રેકોર્ડ અંકિત કર્યો છે જે દાયકાઓ સુધી યાદ રાખવામાં આવશે.આ ચૂંટણીના પરિણામોમાં સૌથી આશ્ચર્યજનક પાસું જે. જે. પટેલને મળેલા પ્રથમ પસંદગીના મતો છે. બાર કાઉન્સિલના વર્ષ 1961 થી અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ ઉમેદવાર આટલી મોટી સંખ્યામાં મતો મેળવી શક્યું નથી. તેમણે 1929 થી વધુ પ્રથમ પસંદગીના મતો મેળવીને પ્રચંડ બહુમતી સાથે ક્વોટા પાર કર્યો છે.
વકીલ બિરાદરોમાં તેમની આ પ્રચંડ લોકપ્રિયતા અને સ્વીકૃતિનો આ આંકડો જીવંત પુરાવો છે.જે. જે. પટેલ છેલ્લા 25 વર્ષથી બાર કાઉન્સિલમાં વકીલોના પ્રશ્નો અને તેમના હિતો માટે કાર્યરત છે. કાયદાકીય ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે બુદ્ધિજીવી વર્ગ એવા ‘વકીલોના મત મેળવવા’ એ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કાર્ય છે. પરંતુ જે. જે. પટેલે પોતાના મજબૂત નેતૃત્વ, સાલસ સ્વભાવ અને દરેક વકીલ માટે 24 કલાક ઉપલબ્ધ રહેવાની કાર્યદક્ષતાથી સમગ્ર ગુજરાતના વકીલોનો અતૂટ વિશ્વાસ જીતી લીધો છે.
