લાંબા સમયની શાંતિ પછી કોંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર દિગ્વિજયસિંહ પાછા વરતાયા છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો બેસી ગયો છે તેથી શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂૂ થતી કાવડ યાત્રા પણ શરૂૂ થઈ ગઈ છે. દિગ્વિજયસિંહે કાવડ યાત્રાના બહાને પાછો મુસ્લિમ તુષ્ટિકરણનો ખેલ માંડી દીધો છે અને કાવડ યાત્રા ટાણે જ તેમણે વખારમાંથી કાઢીને એક તસવીર મૂકી દીધી છે કે જેમાં રસ્તા પર નમાઝ પઢી રહેલા એક મુસ્લિમને એક પોલીસવાળો લાત મારી રહ્યો છે. દિગ્વિજયે આ તસવીરની સાથે રોડ પર મુકાયેલી કાવડોની તસવીર પણ મૂકી છે. ’એક દેશ, બે કાયદા’ હેડિંગ હેઠળ મુકાયેલી બે તસવીરો દ્વારા દિગ્વિજયસિંહે આક્ષેપ કર્યો છે કે, યોગી આદિત્યનાથ સરકાર બેવડાં ધોરણો બતાવી રહી છે કેમ કે કાવડ યાત્રા માટે રસ્તા ખોલી દેવાયા છે જ્યારે રસ્તા પર નમાઝ પઢી રહેલા મુસ્લિમો પર અત્યાચારો કરાય છે.
દિગ્વિજયસિંહની આ સોશ્યલ મીડિયા પોસ્ટ એ વાતનો પુરાવો છે કે, કૂતરાની પૂંછડી વાંકી વાંકી ને વરસો લગી પાઈપમાં રાખો તોય સીધી ના જ થાય. સાથે સાથે દિગ્વિજય સહિતના નેતાઓને મુસ્લિમ તુષ્ટિકરણ માટે હિંદુઓની લાગણી પર પ્રહાર કરવામાં ને જૂઠાણાં ચલાવવામાં પણ કોઈ છોછ નથી નડતો એ પણ સાબિત થયું છે. દિગ્વિજયે મૂકેલી મુસ્લિમને લાત મારતી પોલીસની તસવીર દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારની છે અને ચાર મહિના જૂની છે. આ વર્ષના માર્ચમાં આ ઘટના બની પછી આ પોલીસને સસ્પેન્ડ કરી દેવાયો હતો. દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે ને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. મુસ્લિમ શ્રદ્ધાળુ સાથે ખરાબ વ્યવહાર કરનારા પોલીસને ભાજપની સરકારે જ સજા આપી હતી પણ દિગ્વિજયે એ વાત ગુપચાવીને મુસ્લિમો પર ભાજપ શાસનમાં અત્યાચારો થાય છે એવું સદંતર જૂઠાણું ચલાવ્યું છે.
દિગ્વિજયે રોડ પર કાવડો મુકાયેલી હોવાની તસવીર મૂકી છે એ પણ વિકૃત માનસિકતાનો પરચો છે. કાવડ યાત્રાના કારણે કોઈને તકલીફ નથી પડી રહી અને વાહનવ્યવહાર શાંતિથી ચાલી રહ્યો છે એવું દિગ્વિજયે મૂકેલી તસવીરમાં જ દેખાય છે એ જોતાં રસ્તા પર નમાઝ પઢવાથી થતી તકલીફો સાથે તેને સરખાવી ના શકાય. તેના કારણે પણ તકલીફ નથી પડતી. બીજું એ કે, મુસ્લિમોના તાજિયા વખતનાં જુલૂસ કે બીજા કાર્યક્રમોના કારણે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય જ છે. આ દેશના હિંદુઓ સહિષ્ણુ છે તેથી મુસ્લિમોની શ્રદ્ધાને લગતી બાબતોને કારણે પડતી તકલીફો સહન કરે જ છે ને? દિગ્વિજયની હરકત એ વાતનો પુરાવો છે કે, કોંગ્રેસીઓ ભૂતકાળમાંથી કશું શીખ્યા નથી અને હિંદુઓની લાગણી દુભાવવામાં ને દુભાવવામાં પતી ગયા તોય સાન ઠેકાણે આવતી નથી. તેમને હજુય એવું જ લાગે છે કે, હિંદુઓને ગાળો દેવાથી ને મુસ્લિમોના પગોમાં આળોટવાથી પાછી સત્તા મળશે. દિગ્વિજયસિંહ કોંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર છે. કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ પડી ગઈ અને હિંદુઓ કોંગ્રેસથી દૂર ભાગવા માંડ્યા તેના મૂળમાં દિગ્વિજયસિંહ સહિતના નેતાઓ છે.
