મોરબીનો વિકાસ થંભી ગયો: ખૂદ શાસક પક્ષના નગરસેવકોએ ભરીસભામાં ઠાલવી હૈયાવરાળ

મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર નામકરણના બે જ એજન્ડા સાથે મળી હતી, પરંતુ તે એક સંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી.નવરાત્રી જેવા તહેવારોમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ, બિસ્માર…

મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર નામકરણના બે જ એજન્ડા સાથે મળી હતી, પરંતુ તે એક સંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી.નવરાત્રી જેવા તહેવારોમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ, બિસ્માર રસ્તાઓ અને વિકાસના કામોમાં ગોકળગાયની ગતિ જેવા મુદ્દે સભામાં ભારે હોબાળો મચ્યો હતો.

સભામાં સૌથી વધુ આક્રોશ સ્ટ્રીટ લાઈટોના મુદ્દે જોવા મળ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહિના અગાઉ ઠરાવ કરવામાં આવ્યો હતો કે નવરાત્રી દરમિયાન એક પણ ગરબી ચોક લાઈટ વગરનો ન રહેવો જોઈએ, તેમ છતાં અનેક વિસ્તારોમાં લાઈટોનો અભાવ હોવાની ફરિયાદો ઉઠી હતી. કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે લાઈટો નાખવામાં ભેદભાવ રાખવામાં આવે છે.

ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી બાદ રસ્તાઓની બિસ્માર હાલત અંગે પણ સભામાં ઉગ્ર રજૂઆતો થઈ હતી. લાઈનો નાખ્યા બાદ એજન્સીઓ દ્વારા યોગ્ય રીતે પેચવર્ક કે બુરાણ કરવામાં આવતું નથી જેના કારણે રસ્તાઓ પર ખાડા અને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા પાંચ મહિનામાં બાંધકામની કેટલી મંજૂરી આપવામાં આવી છે. સહિતના પ્રશ્નો કોર્પોરેટર ભૂપતભાઈ જારીયાએ ઉઠાવ્યો હતો. મંજૂરીના વાંકે છેલ્લા અઢી વર્ષથી બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. તેને સંલગ્ન અન્ય ઉદ્યોગો અને રોજિંદા મજૂરી કરતા શ્રમિકોની રોજીરોટી પર મોટું સંકટ ઉભું થયું છે. દરમિયાન મોરબી મહાનગરપાલિકા હસ્તકની 107 જેટલી બિલ્ડિંગોમાંથી મોટાભાગની બિલ્ડીંગો સીસીટીવી વગરની હોવાનું કોર્પોરેટર ભુપત જારીયાના પ્રશ્નના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું અને . બિલ્ડીંગોમાં સીસીટીવીની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. તેમા હાજરી અને વર્કશોપ વિભાગના બોગસ બિલ કૌભાંડ અંગે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી અને મેયરે તપાસ કરાવીશું.. તપાસ કરાવીશુંનું રટણ કર્યું હતું.

વાહનોમાં જીપીએસ સિસ્ટમનો ફિયાસ્કો
મહાનગરપાલિકાના વાહનોના સંચાલનમાં મોટી ગેરરીતિ અને બેદરકારી સામે આવી છે. તંત્ર પાસે કુલ 66 જેટલા વાહનો છે, પરંતુ તેમાંથી માત્ર 4 જ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. બાકીના વાહનો ક્યાં જાય છે, ક્યાં કામગીરી કરે છે તેનો કોઈ જ હિસાબ કે ટ્રેકિંગ તંત્ર પાસે ઉપલબ્ધ નથી. તમામ વાહનોમાં જીપીએસ લગાવવામાં આવે તો જ વાહનોના ઉપયોગની પારદર્શિતા જળવાઈ રહે અને દુરુપયોગ અટકે તેવી સભામાં માંગ ઉઠી હતી.

બોગસ બિલીંગ કૌભાંડ ભરી સભામાં ધૂણ્યું
તાજેતરમાં પ્રકાશમાં આવેલા બોગસ હાજરી અને વર્કશોપ વિભાગના બિલિંગ કૌભાંડ અંગે મેયરે સ્પષ્ટ કર્યું હતું કે, 2025-26 ના આ બિલો 4 અલગ-અલગ લેયરમાંથી પાસ થઈને છેક ડેપ્યુટી કમિશનર સુધી ગયા છે. આ ગંભીર બાબતે હાલ તપાસ ચાલી રહી છે અને જવાબદાર એજન્સી કે સંડોવાયેલા કોઈપણ અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. વધુમાં, કેટલાક શાખા અધ્યક્ષો અને અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ (કોર્પોરેટરો) ના ફોન ન ઉપાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દે મેયરે જણાવ્યું હતું કે, આવા બેદરકાર અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી દેવામાં આવી છે અને તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવવા તાકીદ કરવામાં આવી છે.

જે ચીફ ઓડિટરના નેજા હેઠળ બિલો પાસ થયા તેને જ તપાસ સોંપાઈ!
મોરબી નગરપાલિકા વખતે વહીવટદારના સાશનમાં વર્કશોપ વિભાગમાં નાના બાળક ટેસ્ટ પેપરના રિઝલ્ટમાં જેમ આગળ આંકડા લગાડે તેમ 700ના 10,700 અને 500ના 1500 કરી ખોટા બિલો બનાવી લાખોની ઉચાપત કર્યાના ચકચારી બનાવમાં તપાસ ચીફ ઓડીટરને સોંપવામાં આવી છે. અચરજની વાત તો એ છે કે અગાઉ જે ચીફ ઓડિટરે શંકાસ્પદ રીતે બિલો ચેક કર્યા હતા તે જ ચીફ ઓડિટરને કૌભાંડની તપાસ સોંપાતા મામલો થાળે પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *