ગામડાઓમાં અંધારપટ્ટ, ખાનગી કંપનીઓને પાણીના ભાવે વીજળી

પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા, વિશ્ર્વગુરુ બનવાની વાતો કરતી સરકારની પોલ ખોલતા ગોપાલ ઇટાલીયા ગુજરાતમાં તહેવારોના દિવસોમાં વીજળીની કટોકટી અને કાપને લઈને આમ આદમી પાર્ટીના…

પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા, વિશ્ર્વગુરુ બનવાની વાતો કરતી સરકારની પોલ ખોલતા ગોપાલ ઇટાલીયા

ગુજરાતમાં તહેવારોના દિવસોમાં વીજળીની કટોકટી અને કાપને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અન્ય રાજ્યો અને પ્રાઇવેટ કંપનીઓને કરોડો રૂૂપિયાની વીજળી સાવ પાણીના ભાવે વેચી રહી છે, જ્યારે પોતાના જ રાજ્યમાં નવરાત્રી જેવા પવિત્ર પર્વ દરમિયાન ગામડાઓમાં ભયંકર વીજકાપ લાદી દેવામાં આવ્યો છે. ઈટાલીયાએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં જ્યારે માતાજીની આરતીનો સમય થાય ત્યારે જ હજારો ગામડાઓમાં વીજળી કાપી નાખવામાં આવે છે.

છેવાડાના વિસ્તારોમાં લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર રાજ્યમાં પાવર મેનેજમેન્ટ કરવામાં સાવ નિષ્ફળ સાબિત થઈ છે. વીજ સંકટની અસર માત્ર ગામડાંઓ પૂરતી સીમિત નથી રહી, પરંતુ રાજ્યના વેપાર-ધંધા પણ તેની ચપેટમાં આવ્યા છે. રાજકોટ, જુનાગઢ અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રોની અનેક ઇન્ડસ્ટ્રીઝ પર સરકારી તંત્ર દ્વારા રોજ ચાર કલાક ઉદ્યોગો બંધ રાખવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઈ રહ્યું છે અને શ્રમિકો સહિત ઉદ્યોગકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

જણાવ્યું કે, અંદરની સચોટ માહિતી મુજબ બેટરી ઉત્પાદક કંપની પાસેથી ઉચ્ચ અધિકારીઓને મનગમતું કમિશન મળ્યું ન હતું. જેના પરિણામે વધારાની વીજળી સંગ્રહ કરવા માટેના મહત્ત્વના બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટને જાણીજોઈને ટલ્લે ચડાવી દેવામાં આવ્યો છે. સોલાર કંપનીઓ, પવનચક્કીની ખાનગી કંપનીઓ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠનો ભોગ ગુજરાતના સામાન્ય નાગરિકો અને નાના-મોટા ઉદ્યોગો બની રહ્યા છે.

વીજળીની સાથે સાથે તેમણે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં ઊભા થઈ રહેલા જળસંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજકોટ સહિત સમગ્ર કાઠિયાવાડ પર પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન તોળાઈ રહ્યો છે. રાજ્યમાં લાઈટ આવી રહી નથી, ડેમોમાં પાણી નથી અને સત્તાધીશો વિશ્વગુરુ બનવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે. તેમણે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ભાજપ સરકાર વહેલી તકે પૂરતી વીજળી અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરે, અન્યથા જનતાને સાથે રાખીને આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન અને વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *