ગૌતમ ગંભીર, કુંબલે, યુવરાજ, હરભજનસિંહ, યુસુફ પઠાણ, શિખર ધવન, હર્ષા ભોગલેએ સંવેદના વ્યકત કરી
દિગ્ગજ સિંગર આશા ભોસલેનું 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. પોતાના સુંદર અવાજથી દુનિયાભરના લોકોના દિલ જીતનાર આશાજીએ 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેના નિધનથી મનોરંજન જગતમાં તો શોકનો માહોલ છવાઈ ગયો છે, પરંતુ ક્રિકેટ જગત પણ ભાવુક છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર, પૂર્વ ક્રિકેટર અને કોચ અનિલ કુંબલે, યુવરાજ સિંહ સહિત ઘણાં ભારતીય દિગ્ગજોએ આશા ભોસલેને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.
જેવા નિધનના સમાચાર સામે આવ્યા, ઘણાં ક્રિકેટરો અને રમત જગતની હસ્તીઓએ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ પાઠવી. વર્તમાન ખેલાડીઓથી લઈને જૂના દિગ્ગજો સુધી, તમામે તેઓને યાદ કર્યા. ઘણાં ખેલાડીઓએ જણાવ્યું કે, તેઓ તેના સદાબહાર ગીતો સાંભળીને મોટા થયા છે. તેઓએ એવું પણ કહ્યું કે, આશાજીનું સંગીત દરેક ઉંમરના લોકોને પસંદ આવતા હતા અને તેઓએ સરહદો પાર પણ પોતાની ઓળખ બનાવી. આશાજીનો પ્રભાવ માત્ર સંગીત સુધી સીમિત નહોતો, પરંતુ દરેક ક્ષેત્રના લોકોના દિલ સ્પર્શી લીધા. તેમાં ખેલાડીઓ પણ સામેલ છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે આશાજીના નિધન પર લખ્યું, “મહાન આશા ભોસલેજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. તેઓની સાદગી અને તેઓની બેજોડ પ્રતિભા હંમેશાં અમારી યાદોમાં રહેશે.”
ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને કોચ અનિલ કુંબલેએ લખ્યું, “મહાન આશા ભોસલેજીના નિધન પર મારી સંવેદનાઓ. તેઓનો અવાજ ક્યારે ફીક્કો નહીં પડે અને ભારતીય સંગીતમાં તેઓનો યોગદાન હંમેશાં યાદ રાખવામાં આવશે. મારી પ્રાર્થનાઓ તેઓના પરિવાર અને પ્રશંસકો સાથે છે.”
યુવરાજ સિંહે લખ્યું, ’આશાજીને સાંભળતાં જ અમે મોટા થયા મૂડ ગમે તેવો હોય, તેમનું કોઈ ને કોઈ ગીત હંમેશાં તેના પર બિલકુલ ફિટ બેસતું. તે અવાજ સાથે આટલી બધી યાદો અને લાગણીઓ જોડાયેલી છે. આજે એવું લાગી રહ્યું છે કે અમારા બાળપણનો એક ભાગ શાંત થઈ ગયો છે.
ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે, આશાજી. મારી ઊંડી સંવેદનાઓ.’ હરભજન સિંહે લખ્યું, ’આશાજીના અવસાનના સમાચાર સાંભળીને યાદ આવે છે કે તેમના અવાજે કેટલી પેઢીઓના હૃદયને ઊંડે સુધી સ્પર્શ કર્યો છે. તેઓ એક સાચા લેજેન્ડ છે, જેમનું સંગીત સમય અને લાગણીઓથી પરે છે. તેમની વિરાસત હંમેશાં અમારા હૃદયમાં જીવંત રહેશે. આ પ્રેરણા માટે તેમનો આભાર.’ યુસુફ પઠાણે લખ્યું, ’એક સદાબહાર અવાજ અને એક મહાન વિરાસત. આશા ભોંસલેજીના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયું. તેમનો અવાજ હંમેશાં જીવંત રહેશે.’
પૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવને આશાજીને યાદ કરતાં લખ્યું, ’એક સદાબહાર અવાજ જે ક્યારેય જૂનો નથી થયો. આશા ભોંસલેજી હંમેશાં અમારા હૃદયમાં રહેશે. ઓમ શાંતિ.’ હર્ષા ભોગલેએ લખ્યું, ’લતા મંગેશકર અને હવે આશા ભોંસલે. બંનેનો અંદાજ અલગ હતો, પરંતુ બંને જ મહાનતાના ઉદાહરણ હતાં. તેમના આટલા બધા સુંદર ગીતોમાંથી ’ઉમરાવ જાન’ના ગીતો મારા માટે સૌથી ખાસ હતા. રફી, કિશોર, મુકેશ, મન્ના ડે, તલત, ગીતા દત્ત અને લતા જી જેવા દિગ્ગજોના તે મહાન યુગની છેલ્લી નિશાની પણ ચાલી ગઈ. જો કે, અમે હંમેશાં ’એક યુગનો અંત’ મુહાવરો વાપરતા હોઈએ છીએ, સાચે જ એક યુગનો અંત થઈ ગયો છે.’
આશાના બેડમિન્ટન આધારિત ગીતે 1970માં ધૂમ મચાવી હતી
બોલિવૂડમાં રમત પર આધારિત બહુ ઓછા ગીત બન્યા છે અને એમાંનું એક ગીત છે, ‘હમજોલી’નું સોન્ગ. આશા ભોસલે એ 1970ના દાયકામાં મોહમ્મદ રફી સાથે ગાયેલાં ‘હમજોલી’ ફિલ્મના ગીતે ધૂમ મચાવી દીધી હતી અને હજી આજે પણ અસંખ્ય સંગીતપ્રેમીને એ સોન્ગની શરૂૂઆતની લાઇનો કંઠસ્થ હશે જ. સંગીતપ્રેમીઓના હૈયા ડોલાવતું ‘ઢલ ગયા દિન…હો ગઈ રાત…જાને દો…જાના હૈ…’ ગીત જિતેન્દ્ર અને લીના ચંદાવરકર પર આધારિત હતું. ગીતકાર આનંદ બક્ષી દ્વારા લિખિત એ ગીતમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું મધુર સંગીત હતું. હમજોલી’ ફિલ્મમાં કુલ છ ગીત હતા, પરંતુ બેડમિન્ટન પર આધારિત આ સોન્ગ સૌથી લોકપ્રિય બન્યું હતું. જિતેન્દ્ર એ ગીતમાં સફેદ ડ્રેસમાં સજ્જ હતો અને લીના ચંદાવરકર ગુલાબી ડ્રેસમાં હતી. આ ગીત લોકપ્રિય થયું એની સાથે ભારતમાં અસંખ્ય લોકોએ બેડમિન્ટન રમવાનું શરૂૂ કરી દીધું હતું.
