રાહુલને બ્રિટીશ નાગરિક જાહેર કરવાની અરજી અદાલતે ફગાવી

લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા રાહુલ ગાંધી માટે લખનૌની કોર્ટમાંથી રાહતના મોટા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા બ્રિટિશ નાગરિકતાના વિવાદમાં તેમની…

લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા રાહુલ ગાંધી માટે લખનૌની કોર્ટમાંથી રાહતના મોટા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા બ્રિટિશ નાગરિકતાના વિવાદમાં તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની માંગ કરતી અરજીને કોર્ટે કડક શબ્દોમાં ફગાવી દીધી છે. ACJM આલોક વર્માએ ચુકાદો આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિની નાગરિકતા માન્ય છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર કોર્ટ પાસે નથી, આ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રનો વિષય છે. કોર્ટે આ અરજીને માત્ર હેરાનગતિ અને કાનૂની પ્રક્રિયાના શોષણ સમાન ગણાવી હતી.

આ વિવાદ ભાજપના નેતા વિગ્નેશ દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ બ્રિટિશ સત્તાવાળાઓ સમક્ષ પોતાની જાતને બ્રિટિશ નાગરિક જાહેર કરી હતી. અરજદારે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી. આઠ દિવસ સુધી ચાલેલી લાંબી દલીલો બાદ કોર્ટે અવલોકન કર્યું કે અરજી પાછળ કોઈ નક્કર આધાર નથી. કોર્ટના આ વલણથી રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા નાગરિકતાના રાજકીય અભિયાનને મોટો કાનૂની આંચકો લાગ્યો છે.

ભારતીય બંધારણ મુજબ બેવડી નાગરિકતાની જોગવાઈ નથી, તે મુદ્દાને પકડીને અરજદારે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની પણ માંગ કરી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની અરજીઓ ન્યાયતંત્રનો કિંમતી સમય બગાડે છે. આ કેસ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને હાઈકોર્ટમાં પણ જઈ ચૂક્યો છે. હાલ પૂરતું, આ ચુકાદાએ કોંગ્રેસ છાવણીમાં ખુશીનો માહોલ લાવી દીધો છે અને રાહુલ ગાંધી વિરુદ્ધના એક મોટા કાયદાકીય અવરોધ આ રીતે પાર થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *