જામનગર ડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીન સામે તપાસ ન થતા કોર્ટ લાલધૂમ

કોન્ટ્રાકટર કર્મીની જામીન અરજી પણ ફગાવી દેવાઇ: કોર્ટે ચૂકાદાની નકલ ગૃહવિભાગના મુખ્ય સચિવને મોકલી: ડીન ઉપર કસાતો ગાળિયો જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલતા…

કોન્ટ્રાકટર કર્મીની જામીન અરજી પણ ફગાવી દેવાઇ: કોર્ટે ચૂકાદાની નકલ ગૃહવિભાગના મુખ્ય સચિવને મોકલી: ડીન ઉપર કસાતો ગાળિયો

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલતા ’રોગી કલ્યાણ સમિતિ’ના ફંડમાં રૂૂપિયા 1,36,19,350 ની ઉચાપતનું એક અત્યંત ગંભીર કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેણે સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ચકચારગ્રસ્ત કેસમાં ઝડપાયેલા આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર (કોન્ટ્રાક્ટ કર્મી) શોભિત રાજેન્દ્રપ્રસાદ ગર્ગ દ્વારા કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીને જામનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ શ્રી રસિકકુમાર વી. મંગાણીની અદાલતે સખત વલણ અપનાવીને નામંજૂર કરી દીધી છે. બીજી બાજુ સીધી જ જવાબદારી ડીનની બનતી હોય ડીન સામે કોઇપણ પ્રકારની તપાસ થઇ ન હોવાના મુદ્દે કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી છે.આ કૌભાંડની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) અને તેમાં સંસ્થાના સર્વોચ્ચ અધિકારીની કથિત સંડોવણી અત્યંત ચોંકાવનારી હોવાનું માનવામાં આવે છે.

ધરપકડ પૂર્વે આરોપી શોભિત ગર્ગે ડીએસપીને આપેલી અરજીમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, ડેન્ટલ કોલેજના ડીન નયનાબેન પટેલની સીધી સૂચનાથી જ તેમના દ્વારા સહી કરાયેલા ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓ અનુસાર, નવેમ્બર 2025 થી એપ્રિલ 2026ના સમયગાળા દરમિયાન કુલ 15 ચેકો તેમજ આર.ટી.જી.એસ. અને પોઝીટીવ પે સિસ્ટમ ફોર્મ પર ડીન નયનાબેન પટેલે સહીઓ કરી હતી.

ડીને પોતાના બચાવમાં ’પોતે કોરા ચેક પર સહી કરી હતી’ તેવો લૂલો બચાવ રજૂ કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દેતા આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ ડી.ડી.ઓ. (ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર) સરકારી નાણાંના વહીવટ માટે કોરા ચેક પર ક્યારેય સહી ન કરે.

વધુમાં, સુનાવણી વેળાએ ડીન નયનાબેન પટેલના વકીલે સહ-આરોપીની જામીન પ્રક્રિયામાં દખલગીરી કરવાનો પ્રયાસ કરતા કોર્ટે લાલ આંખ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ડીન ખુદ આ કેસમાં શંકાસ્પદ છે. સરકારી ભંડોળ લૂંટાયું હોવાથી અહીં અસલી ભોગ બનનાર સરકાર છે, જેથી ડીનને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો કોઈ કાનૂની અધિકાર રહેતો નથી. આ તમામ હકીકતો સ્પષ્ટ કરે છે કે ડીનની સીધી મિલીભગત વિના 1.36 કરોડ રૂૂપિયાનું આ મસમોટું આર્થિક કૌભાંડ આચરવું અશક્ય છે.ન્યાયતંત્રએ પોલીસની આ શંકાસ્પદ કામગીરી અને કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

કોર્ટે પોતાના આદેશની નકલ ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના સચિવને મોકલી આપી છે, જેથી ફરજમાં બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવનાર કસૂરવાર પોલીસ અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ડીન સામેં પણ કાયદેસરની અને ખાતાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય.

તપાસનીશ ત્રણેય પોલીસ અધિકારી કોર્ટને કંઇ જવાબ ન આપી શકયા
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ શરમજનક અને ચિંતાજનક પાસું પોલીસ તંત્રની શંકાસ્પદ કામગીરી અને નિષ્ક્રિયતા છે. ગત 19 મે 2026ના રોજ ફરિયાદ દાખલ થયા બાદ અત્યાર સુધીમાં પીએસઆઇ એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોર એમ ત્રણ અલગ-અલગ અધિકારીઓએ તપાસ હાથ ધરી હોવા છતાં, કોઈએ મુખ્ય શંકાસ્પદ એવા ડીન નયનાબેન પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત દાખવી નથી. કોર્ટે જયારે આ નિષ્ક્રિયતા અંગે પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે કોઈ પણ અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *