પોલીસે પાંચ શખ્સો સામે એટ્રોસિટીનો ગુનો નોંધ્યો, ધરપકડ ન થાય તો એસપીને આવેદનપત્ર અપાશે
આઝાદીના દાયકાઓ બાદ પણ સમાજમાં આભડછેટ અને જ્ઞાતિવાદની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જૂનાગઢના વિસાવદરના ભૂતડી ગામમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. જેના કારણે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગત એવી છે કે ભૂતડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા રામજી મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે આખા ગામ માટે સમૂહ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકો અને કાર્યકરો તરીકે સેવા આપતા પાંચ શખ્સોએ અનુસૂચિત જાતિના મહોલ્લામાં જઈને ગ્રામજનોને આમંત્રણ તો આપ્યું, પરંતુ આ આમંત્રણમાં માન-સન્માનને બદલે અપમાનજનક શરતો મૂકવામાં આવી હતી. આયોજકોએ દલિત સમાજના લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમારે જમવા આવવું હોય તો ઘરેથી પોતાના થાળી અને વાટકા સાથે લઈને આવવાનું રહેશે. એટલું જ નહીં, ગામના અન્ય લોકો જમી લે ત્યારબાદ જ તમારે જમવા બેસવાનું રહેશે તેવી શરત પણ લાદવામાં આવી હતી.
આ ગંભીર આભડછેટ અને જ્ઞાતિવાદી માનસિકતાનો ભોગ બનેલા યુવાન અજય બોરીચાએ આ બાબતે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આયોજકોએ માત્ર વાસણોની જ શરત નહોતી મૂકી, પરંતુ દલિત સમાજ માટે બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા પણ ગામના અન્ય લોકોથી તદ્દન અલગ રાખવાનું નક્કી કર્યું હતું. ધાર્મિક ઉત્સવના બહાને આ પ્રકારે જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કરવામાં આવતા આખરે મામલો વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ઘટનાને લઈને સામાજિક અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા છે અને આ પ્રકારની હલકી માનસિકતા ધરાવતા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ મામલે સામાજિક અગ્રણી ઉમેશભાઈએ ચીમકી ઉચ્ચારી છે કે જો આયોજકોની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એસ.પી. કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. આઝાદ ભારતમાં બંધારણે દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યા છે, ત્યારે મંદિરના પવિત્ર પ્રાંગણમાં અને તે પણ ભગવાનના પ્રસાદ લેવામાં આ પ્રકારે ભેદભાવ રાખવો તે કાયદાકીય અને નૈતિક રીતે ગુનો છે. હાલમાં વિસાવદર પોલીસે આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે અને લોકોમાં આક્રોશ ફેલાયો છે.
વિસાવદર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમ તેમજ એટ્રોસિટી એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં જે પાંચ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે તેમાં બાબુ હપાણી, નરેન્દ્ર સીરોયા, રમણીક સોરઠીયા, અતુલ સીરોયા અને ફુલા સીરોયાનો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓ ભૂતડી ગામના જ રહેવાસી છે અને તેમણે ધાર્મિક પ્રસંગે જ્ઞાતિવાદી વૈમનસ્ય ફેલાવી એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
