દરેક શહેર-જિલ્લામાં ઇલેકશન કમિટી બનાવશે કોંગ્રેસ, ઉમેદવારો પણ પસંદ કરશે

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મહત્વપૂર્ણ જંગ જીતવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના તમામ દિગ્ગજ નેતાઓને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા…

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મહત્વપૂર્ણ જંગ જીતવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના તમામ દિગ્ગજ નેતાઓને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા છે.ગુરુવારે સાંજે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હાઈલેવલ મીટિંગ યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં પક્ષના અસ્તિત્વને ટકાવી રાખવા અને ભવિષ્યની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. તમામ નેતાઓએ છેલ્લા છ મહિનામાં કરેલી કામગીરીનું ’રિપોર્ટ કાર્ડ’ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કર્યું હતું. પક્ષને મજબૂત કરવા માટે હવે દરેક જિલ્લા અને શહેર દીઠ અલગ ઇલેક્શન કમિટી બનાવવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ સ્થાનિક સ્તરે જ ઉમેદવારોના નામ નક્કી કરવાની સત્તા આપવાનો નિર્ણય લેવાયો છે.
ચૂંટણીલક્ષી આયોજન માટે વરિષ્ઠ નેતાઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ચાલુ મહિનાના અંત સુધીમાં કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

કોંગ્રેસ હાલમાં ભાજપના મજબૂત સંગઠન અને આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે બેવડા પડકારનો સામનો કરી રહી છે. પક્ષના આંતરિક કકળાટને ડામવા માટે હાઈકમાન્ડ હવે કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે.

સત્તાના વનવાસને ખતમ કરવા માટે કોંગ્રેસ હવે ’માઈક્રો-લેવલ’ પ્લાનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગામી સ્થાનિક ચૂંટણીઓ પક્ષ માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે જેમાં સંગઠન શક્તિની કસોટી થવાની છે. આ હાઈપ્રોફાઈલ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટા ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. નવા જોશ સાથે મેદાનમાં ઉતરવા માટે પક્ષના નેતાઓ હવે પાયાના સ્તરે મહેનત શરૂૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *