લોકોની વચ્ચે જઇ વોટમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી આપશે
મોરબી જીલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.3થી 10 ઓક્ટોબર દરમિયાન કોંગ્રેસ દ્વારા નવોટ ચોર ગદી છોડથ સહી ઝુંબેશ યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના આગેવાનો લોકો વચ્ચે જઈ ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત અંગે જાણ કરી સહી લેશે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે જન નાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલી ભગતને ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક ગેરરીતિને લોકો વચ્ચે ઉજાગર કરવા અને અટકાવવાના ઉદેશથી એઆઇસીસી દ્વારા ગુજરાતમાં તા.3થી 10 ઓક્ટોબર વોટ ચોર ગદી છોડ સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ખરા અર્થમાં લોક તંત્રને બચાવવાની ઝુંબેશ છે.
પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને મોરબી જિલ્લાના માજી ધારાસભ્યો, તાલુકા- શહેર સમિતિના પ્રમુખો, કાર્યકારી અધ્યક્ષો, જીલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ લોકો વચ્ચે જઈ લોકો સાથે સંવાદ કરી સહી લેશે.
વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગેના પુરાવાઓ ચૂંટણી પંચને આપ્યા છે. ગુજરાતમાં પણ પાટીલની સીટ પૈકીની ચોર્યાસી વિધાનસભામાં 12 ટકા જેવા મતદારો નકલી અથવા શંકાસ્પદ હોવાનું ધ્યાને આવ્યું છે. ગુજરાતમાં પણ વોટચોરીની પેટર્ન અપનાવાય છે. જેથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદી છોડ સહી ઝુંબેશ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
