રાજ્યભરમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમો, 22-23 જૂને તમામ જિલ્લામાં પત્રકાર પરીષદો યોજી સરકારની નિષ્ફળતા ઉજાગર કરશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.
મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ગુજરાતની સ્થિતિનો ઉલ્લેખ કરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી.
રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે.
આવનારી 22 અને 23 જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર, પ્રવકતા ડો. મનીષ દોશી, મીડિયા કો-ક્ધવીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રદેશ મહામંત્રી અને અમદાવાદ શહેર પ્રભારી ડો. હિમાંશુ પટેલ, પ્રવક્તા ડો. હિરેન બેન્કર, શ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
કુલ રૂા.3.5 લાખ કરોડનો ખર્ચ
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેક વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે, દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
