અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને હૃદય સંબંધી તકલીફ થતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગત રાત્રે અચાનક છાતીમાં દુખાવો થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન તેમના હૃદયની એક નળીમાં 90 ટકા જેટલું ગંભીર બ્લોકેજ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
ઇમરાન ખેડાવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા કોંગ્રેસનાં આગેવાનો પણ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુંહોવાથી મોટા ભાગનાં ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર છે. તેવામા કોંગ્રેસી ધારાસભ્યો પણ ઇમરાન ખેડાવાલાના ખબરઅંતર પુછવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, ધારાસભ્ય ખેડાવાલા ગત રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક તેમને છાતીમાં ભારે દબાણ અને અસહ્ય દુખાવો અનુભવાયો હતો. મોડી રાત્રે જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજિસ્ટ્સની ટીમ દ્વારા તાત્કાલિક તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, હૃદયની મુખ્ય નળીઓ પૈકીની એકમાં 90 ટકા બ્લોકેજ છે. હાલ તેમની તબિયત સ્થિર છે, પરંતુ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે. આગામી દિવસોમાં બ્લોકેજ દૂર કરવા માટે સ્ટેન્ટ મૂકવો કે કેમ, તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
