વેરાવળમાં શુક્રવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. NEET પેપર લીક, વધતી મોંઘવારી અને બેરોજગારી સામે ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં નું આયોજન કરાયું હતું. આ પ્રદર્શન શરૂૂ થાય તે પહેલાં જ પોલીસે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સહિત 23 કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.
ટાવર ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસે સ્થળ પર કાફલો તૈનાત કરી પ્રદર્શન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસી આગેવાનો કાર્યક્રમ પર અડગ રહેતા પોલીસે અટકાયતની કાર્યવાહી કરી હતી. ધારાસભ્ય ચુડાસમા સહિતના આગેવાનોને ડિટેઇન કરાતા સ્થળ પર ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર થયા હતા. આ તકે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, છતાં ભાજપ સરકારના ઈશારે વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં લોકશાહી મૂલ્યો નબળા પડી રહ્યા છે અને વિરોધ પક્ષના કાર્યક્રમોને દમનકારી નીતિથી નિશાન બનાવાય છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, NEET પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે. ઉપરાંત, વધતી મોંઘવારી અને બેરોજગારીથી સામાન્ય જનતા પરેશાન છે. આ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવા શાંતિપૂર્ણ ધરણાંનું આયોજન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં નગરસેવકો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા.
