અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ચૂંટણીના મતદાન દરમિયાન કુબેરનગર વોર્ડમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. બોગસ મતદાનના આક્ષેપને લઈને ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ મેઘાણીનગર પોલીસમાં FIR નોંધાઈ છે.
રવિવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ કુબેરનગર વોર્ડના ભાજપ ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સુરજસિંહ યાદવને તેમના વિસ્તારમાં બોગસ મતદાન થયાની ફરિયાદ મળી હતી. વિપુલ પટણી અને રાહુલ નામના વ્યક્તિઓએ જણાવ્યું હતું કે તેમનું વોટિંગ પહેલેથી જ થઈ ગયું છે. આ બાબતની ખાતરી કરવા સુરજસિંહ વી.વી. તોમર સ્કૂલ પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર, તેમના ભાઈ યોગેશ તોમર, બંટી ઉર્ફે સરદારજી અને બાદલ કુમાર હાજર હતા. પૂછપરછ દરમિયાન વાત બિચકી અને મારામારી શરૂૂ થઈ ગઈ. સુરજસિંહ યાદવની ફરિયાદ મુજબ યોગેશ તોમરે તેમને પકડીને માર માર્યો જ્યારે નિકુલસિંહ તોમરે ગાળો બોલીને ગડદા-પાટુથી માર્યા મારામારીમાં સુરજસિંહની આંખે ગંભીર ઈજા થઈ હતી. માર માર્યા બાદ નિકુલસિંહે ધમકી આપી: “હું તને જોઈ લઈશ” આ ઘટનામાં ભાજપના ઉમેદવારના કાકાના દીકરા સાથે પણ બોલાચાલી અને મારામારી થઈ હતી. નિકુલસિંહ તોમર (કોંગ્રેસ ઉમેદવાર) યોગેશ તોમર (નિકુલસિંહના ભાઈ) બંટી ઉર્ફે સરદારજી બાદલ કુમાર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નિકુલસિંહ તોમરે આરોપ કર્યો છે કે ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત અને કલાબેનના પુત્ર સહિત અન્ય કાર્યકર્તાઓ બોગસ વોટિંગ કરાવતા હતા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભાજપના લોકોએ તેમની સાથે મારામારી કરી અને ગળું પકડી લીધું હતું. તેમણે આમાં ભાજપ અને પોલીસની મિલીભગતનો આક્ષેપ કર્યો છે અને વિરુદ્ધમાં ફરિયાદ કરવાની વાત કરી છે.
