બિનખેતી પરવાનગી વખતે જમીનના ટાઇટલની તપાસ કલેકટર કરી શકે નહીં: હાઇકોર્ટ

ધોરાજીના ડે.કલેકટર અને મહેસૂલ વિભાગના આદેશો રદબાતલ ઠેરવી છ અઠવાડિયામાં કાયદા મુજબ નવેસરથી નિર્ણય લેવા હુકમ   ગુજરાત હાઈકોર્ટે જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ…

ધોરાજીના ડે.કલેકટર અને મહેસૂલ વિભાગના આદેશો રદબાતલ ઠેરવી છ અઠવાડિયામાં કાયદા મુજબ નવેસરથી નિર્ણય લેવા હુકમ

 

ગુજરાત હાઈકોર્ટે જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ બિનખેતી (ગઅ) પરવાનગી આપવાની સત્તા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ બિનખેતી પરવાનગી માટે અરજી કરે છે, ત્યારે સક્ષમ સત્તાધિકારી અથવા કલેક્ટરે માત્ર એટલું જ જોવાનું હોય છે કે અરજદાર જમીનનો ’કબજેદાર’ છે કે નહીં. આ પ્રક્રિયા દરમિયાન સત્તાધિકારી જમીનના માલિકી હક અથવા ટાઈટલ અંગે કોઈ પણ પ્રકારની તપાસ કરી શકે નહીં.

જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની અદાલતે નીતિનભાઈ માવજીભાઈ સિનોજીયા અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર સુનાવણી કરતા આ અવલોકનો કર્યા હતા. આ કેસમાં અરજદારોએ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને મહેસૂલ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી (અપીલ) ના આદેશોને પડકાર્યા હતા, જેમણે જમીનના ટાઈટલ અંગેના વિવાદને આધારે બિનખેતી પરવાનગીની અરજી રદ કરી હતી. અદાલતે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ કલેક્ટર પાસે ટાઈટલ નક્કી કરવાની કોઈ કાયદેસરની સત્તા નથી. જો મહેસૂલ રેકોર્ડમાં અરજદારનું નામ કબજેદાર તરીકે નોંધાયેલું હોય, તો તે બિનખેતી પરવાનગી મેળવવા માટે પૂરતું છે. જો ટાઈટલ અંગે કોઈ વિવાદ હોય, તો તે સિવિલ કોર્ટનો વિષય છે અને મહેસૂલ અધિકારીઓ તે વિવાદના આધારે પરવાનગી રોકી શકે નહીં.

વધુમાં, હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે બિનખેતી પરવાનગી એ માત્ર જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાની પ્રક્રિયા છે અને તે કોઈના માલિકી હકને સ્થાપિત કે નાબૂદ કરતી નથી. આ ચુકાદા સાથે અદાલતે ડેપ્યુટી કલેક્ટર અને સ્પેશિયલ સેક્રેટરીના અગાઉના આદેશોને રદબાતલ ઠેરવ્યા છે અને સત્તાધિકારીને છ અઠવાડિયામાં કાયદા મુજબ નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી રાજ્યમાં બિનખેતી પરવાનગી મેળવવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ અને વહીવટી વિલંબમાં ઘટાડો થવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *