બ્રિટીશ રોક બેન્ડ કોલ્ડ પ્લેની અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈકાલથી ભવ્ય કોન્સર્ટ યોજાઈ રહી છે. પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાયેલું રહ્યા બાદ આજે બીજા દિવસે પણ સ્ટેડિયમ હાઉસફૂલ રહ્યું હતુ. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રેકોર્ડબ્રેક અઢી લાખ મુલાકાતીઓ ઉમટીપડયા હતા. જેમાં 1.70 લાખ બહારથી આવ્યા હતા.
આ કોન્સર્ટમાં ગુજરાત ઉપરાંત ગોવા, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લુરુ સહિત દેશના અલગ-અલગ રાજ્યો તેમજ વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં મ્યુઝીક લવર્સ પહોંચ્યા હતા.
ગઇકાલે કોન્સર્ટના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ તકે આખા સ્ટેડિયમમાં બુમરાહ.. બુમરાહની બૂમો પડી હતી. આ સમયે પરફોર્મ કરી રહેલા ક્રિસ માર્ટીને પણ જસપ્રિત બુમરાહને આવકાર આપ્યો હતો. ક્રિસ માર્ટીન ગીટાર વગાડતા-વગાડતા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરને સમર્પિત બે પંક્તિ પણ ગાઈને સંભળાવી હતી.
ક્રીસ માર્ટીને કહ્યું કે, જસપ્રીત તમે વિશ્વના શ્રેષ્ઠ બોલર છો, પરંતુ જ્યારે તમે ઈંગ્લેન્ડની ટીમની એક પછી એક વિકેટ લો છે, તે અમને નથી ગમતું.
ક્રિસ માર્ટીને રમુજના અંદાજમાં આ પંક્તિ સંભળાવી તે સાથે જ જસપ્રીત બુમરાહના ચહેરા પર પણ હાસ્ય જોવા મળ્યું હતુ. આ સાથે સ્ટેડિયમમાં પણ ચિચિયારો પડવા લાગી હતી.
કોલ્ડ પ્લે દ્વારા અગાઉ મુંબઈમાં શો દરમિયાન પણ જસપ્રિત બુમરાહનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ક્રિસ માર્ટીને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિકેટ લેતા બુમરાહનો વીડિયો લોકો સમક્ષ રજૂ કર્યો હતો. જયારે આજે અમદાવાદમાં બુમરાહના હોમ ગ્રાઉન્ડ પર કોલ્ડ પ્લે બેન્ડે ફાસ્ટ બોલરના સમ્માનમાં સ્ટેજ પર તેની સહી કરીને ટેસ્ટ જર્સી દર્શાવી હતી.
હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ, આયોજકોની કામગીરીને બિરદાવી
ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ કોલ્ડ પ્લે કોન્સટ બાદ ટવીટ કરીને જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજમેન્ટ ટીમ, કોલ્ડપ્લે અને બુકમીશોને યાદગાર ઇવેન્ટ બનાવવા બદલ અભિનંદન! આપણે એક ભવ્ય કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કર્યું, જેમાં રેકોર્ડબ્રેક 2.5+ લાખ મુલાકાતીઓનું સ્વાગત કર્યું! 1.70 લાખ+ મુલાકાતીઓ કે જેમણે ગુજરાત બહારથી પ્રવાસ કર્યો હતો અને ગુજરાતની મુલાકાત લેવા બદલ આભાર! મુશ્કેલી-મુક્ત રસ્તાઓ, ઉષ્માભર્યું સ્વાગત, અને ઓટોથી લઈને કેબ્સ, રેસ્ટોરન્ટ્સથી સ્ટ્રીટ વેન્ડર્સ અને હોટેલ્સ સુધીની સર્વોચ્ચ આતિથ્ય – અમને તે બધું મળી ગયું છે! અને ટોચ પર એક સાથે મોટા લગ્નો અને પ્રસંગો હોવા છતાં, 2 દિવસમાં ગેરવર્તણૂક, રોડ ટ્રાફિકની સમસ્યા અથવા ગેરવહીવટની એક પણ ફરિયાદ નથી! તેમણે ટૂંક સમયમાં ફરી અમારી મુલાકાતે આવવા કહ્યું હતું.