દિલ્લીમાં હમણાં એક અત્યંત ગંભીર ઘટના બની ગઈ. દિલ્લીમાં છેલ્લા કેટલાક સમયથી ’ટિર્રીસ’ તરીકે ઓળખાતી ત્રણ પૈડાંની ઈલેક્ટ્રિકલ રિક્ષાઓ અચાનક બંધ થઈ જતી. ડ્રાઈવર ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ સ્ટાર્ટ ના થાય. અડધો-પોણો કલાક પછી અચાનક રિક્ષા ચાલુ થઈ જાય. લાંબા સમયથી આ ખેલ ચાલતો પણ રિક્ષા ચાલુ થઈ જાય એટલે રિક્ષામા બેઠેલાં લોકો રિક્ષાવાળાને ને રીક્ષાવાળો બેટરી બનાવનારને બે-ચાર ગાળો દઈને આખી વાતને ભૂલાવી દેતા.
અચાનક કોઈ સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું ધ્યાન ગયું ને તેણે ખણખોદ કરી તેમાં ખબર પડી કે આ આખો ખેલ તો બીએટી બીએમએસ અને એપોચ લિ-આયન નામની મોબાઈલ એપ દ્વારા થાય છે. ઈલેક્ટ્રિકલ રિક્ષાઓમાં સસ્તી ચાઈનીઝ બેટરીઓ વપરાયેલી હોય છે. આ બેટરીઓની બિલ્ટ-ઇન મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ) બ્લુટૂથથી ચાલે છે તેથી આ બેમાંથી કોઈ એપ સાથે સીધી કનેક્ટ થઈ જતી. બેટરીની બિલ્ટ-ઇન મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ) કનેક્ટ થાય એટલે એક ક્લિક કરીને પાવર બંધ કરી દેવાય તેથી રિક્ષા રસ્તાની વચ્ચે જ ઊભી રહી જાય.
ઈન્ફ્લુઅન્સરે વીડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો એટલે વાતમાં બીજાને પણ રસ પડ્યો. બીજા પણ ઘણાએ આ પ્રકારના વીડિયો બનાવીને મૂક્યા. આ વીડિયો વાઈરલ થયા એટલે ટીવી ચેનલોને રસ પડ્યો. ચેનલોએ ફેક્ટ ચેક એટલે કે સત્યતાની ચકાસણી કરી તેમાં આ વાત સાચી સાબિત થઈ તેથી તેમણે પણ તેના વીડિયો મૂક્યા તેમાં છેલ્લા એક અઠવાડિયાથી દિલ્લીમાં આ મુદ્દો ગાજતો હતો. વાગતું વાગતું કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યું એટલે કેન્દ્ર સરકારે બંને એપ હટાવવા માટે પ્લે સ્ટોરને ફરમાન કરી દીધું છે. આ ઘટના અત્યંત શરમજનક કહેવાય કેમ કે આપણી સરકારને તો ચીનાઓએ આવી કોઈ એપ બનાવીને ગૂગલ પ્લે સ્ટોર પર મૂકી દીધી છે ને ભારતમાં આ એપ કામ કરે છે એ વાતની ખબર જ નહોતી.
સોશ્યલ મીડિયા અને મીડિયાએ ધ્યાન ના દોર્યું હોત તો કદાચ હજુ ખબર પણ ના પડી હોત. સરકારમાં બેઠેલા લોકો તો ખાલી ને ખાલી થૂંક ઉડાડવામાં હોંશિયાર છે ને ટેક્નોલોજીમાં તેમને સાંધાની સૂઝ પડતી નથી તેથી તેમની પાસેથી તો કશી અપેક્ષા ના રખાય પણ આપણી ઈન્ટેલિજન્સ ને સિક્યુરિટી એજન્સીઓને ગંધ સુધ્ધાં ના આવી એ વધારે શરમજનક કહેવાય. ચીન આપણો સૌથી મોટો દુશ્મન છે ને આપણે ત્યાં અંધાધૂંધી ને અરાજકતા સર્જવા માટે જાત જાતના પેંતરા કરે છે ત્યારે એજન્સીઓએ ચીનાઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ.
