કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ થતાં ચૂંટણી પંચના આંકડા ‘સુધરી’ ગયા; અઠવાડિયામાં નામ કમી કરવાના ફોર્મની સંખ્યા 10.76 લાખ ઘટી
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ (સર)માં મુસદ્દા યાદી જાહેર કર્યા બાદ મતદારોના નામ કમી થઇ શકે તેવા વાંધા ઉઠાવી ફોર્મ નંબર-7 મોટી સંખ્યામાં ભરાવાનું શરૂૂ થયું હતું. તેની સંખ્યા પ્રથમ વખત રાજ્યભરની 12.59 લાખ જાહેરાત કરાતા ભારે વિવાદ થયો હતો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અન્ય સંગઠનો દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ ઉપર આક્ષેપો કરીને તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. તે પછી મુસદ્દા યાદી અંગે વાંધા રજૂ કરવાની 30 જાન્યુઆરી સુધીની છેલ્લી મુદત પછી શનિવારે પંચે ફોર્મ નં. 7ની કુલ સંખ્યા 1,83,235 જાહેર કરી છે. તેના કારણે જે રાજકીય એજન્ટો સહિત અન્યોએ લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી કમી થઇ જાય તેવા હેતુથી ફોર્મ નંબર-7 ભર્યા હતા તેમનો એજન્ડા ફેલ થઇ જવા પામ્યો છે. કુલ 10,75,994 મતદારોના નામ કમી થવાથી બચી ગયા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કર્યા મુજબ સરની ઝુંબેશ બાદ 19 ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કર્યા બાદ નાગરિકો પોતાના દાવા અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે 30 જાન્યુઆરી સુધીની છેલ્લી મુદત જાહેર કરી હતી. તે જાહેર કર્યા પ્રમાણે રાજ્યભરમાં નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ મળ્યા છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ નં. 6ની કુલ સંખ્યા 7,25,920 છે જ્યારે નામ સુધારણા અને સ્થળાંતર અંગેના ફોર્મ નં. 8ની કુલ સંખ્યા 5,60,970 થવા પામી છે. તો મતદારોના નામ કમી કરાવવા અંગેના ફોર્મ નં. 7ની કુલ સંખ્યા 1,83,235 જાહેર કરાઇ છે. રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને 10 ફેબ્રુઆરી સુધીમાં તેનો નિકાલ કરશે.
જો કે જે રીતે ફોર્મ નં.7ની સંખ્યામાં પહેલા 12.59 લાખ ભરાયા હતા તેમાં આટલા મતદારોના નામ કમી થઇ જવાની આશંકા ઉભી થતા હોબાળો થયો હતો. તેમાં હવે 1.83 લાખ જ ફોર્મ નંબર 7 રહેતા સમગ્ર રાજકીય રમત પાછળ કોણ હતું તે સવાલ ઉભો થવા પામ્યો છે. કેટલાક લઘુમતી સહિતના ચોક્કસ વિસ્તારોમાંથી અન્ય મતદારોના નામ સામે કોણે વાંધા લીધા હતા તે બાબતે કોર્ટ સુધી મામલો પહોંચવાની ચીમકી પણ વિપક્ષ દ્વારા અપાઇ હતી. જો કે ચૂંટણી પંચે રાજકીય રમત ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ ઓછી સંખ્યામાં છેલ્લે આંકડો જાહેર કર્યો છે.

ખોટી રીતે ફોર્મ ભરનારા તત્ત્વો સામે પોલીસ ફરિયાદ કરવા કોંગ્રેસની માગ
ગુજરાતમાં હાથ ધરાયેલી SIRની કામગીરી દરમિયાન લઘુમતી સમુદાય સહિત વિરોધ પક્ષના સમર્થક મતદારો અને તેવા વિસ્તારોમાં મતદાર યાદીમાંથી મોટાપાયે નામ કમી કરવા માટે ભાજપના કાર્યકરોએ ફોર્મ- 7 ભર્યા હતા. જેના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનોએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન પત્ર આપીને નામ કમી કરતા પહેલા જે તે મતદારનું ક્રોસ વેરિફિકેશન કરવાની માગ કરી હતી. એટલું જ નહીં, આવું ગેરકાયદે કૃત્ય કરનારા સામે ચૂંટણી પંચના નિયમો મુજબ પોલીસ ફરિયાદ નોંધવા અને ગુનેગાર સાબિત થાય તો એક વર્ષની સજા અને એક લાખ રૂૂપિયાનો દંડ વસૂલ કરવા માગ કરવામાં આવી હતી. શનિવારે ચૂંટણી પંચે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ હવે ફોર્મ-નં-7ના માત્ર 1.73 લાખ ફોર્મ જ ચકાસવાના બાકી રહ્યા છે.
