અરજદારોની રજૂઆત પછી સુપ્રીમનો નિર્દેશ
ગઇકાલે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજનામાં પગાર મર્યાદામાં સુધારો કરવા અંગે ચાર મહિનાની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. આ મર્યાદા છેલ્લા 11 વર્ષથી યથાવત છે. સામાજિક કાર્યકર્તા નવીન પ્રકાશ નૌટિયાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે આ આદેશ જારી કર્યો હતો.
અરજી અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), જે કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા યોજનાઓનું સંચાલન કરે છે, તે 15,000 રૂૂપિયાથી વધુ માસિક આવક ધરાવતા કર્મચારીઓને યોજનામાંથી બાકાત રાખે છે.
અરજદાર વકીલો પ્રણવ સચદેવ અને નેહા રાઠીએ દલીલ કરી હતી કે દેશના ઘણા ભાગોમાં લઘુત્તમ વેતન આ મર્યાદા કરતાં વધુ હોવા છતાં, EPF પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનાથી મોટી સંખ્યામાં કર્મચારીઓ સામાજિક સુરક્ષા અને ભવિષ્ય નિધિના લાભોથી વંચિત રહી રહ્યા છે.
અરજીનો નિકાલ કરતા સુપ્રીમ કોર્ટે અરજદારને આદેશની નકલ સાથે બે અઠવાડિયામાં કેન્દ્ર સરકારને રજૂઆત રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. સરકારે ચાર મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે છેલ્લા 70 વર્ષોમાં વેતન મર્યાદામાં સુધારો મનસ્વી રીતે કરવામાં આવ્યો છે, ક્યારેક 13-14 વર્ષના અંતરાલ પછી. આ સમયગાળા દરમિયાન, ફુગાવા, લઘુત્તમ વેતન અથવા માથાદીઠ આવક જેવા આર્થિક સૂચકાંકો સાથે કોઈ જોડાણ જાળવવામાં આવ્યું નથી.
પીટિશન અનુસાર, “આ અસંગત નીતિને કારણે, આજે પહેલા કરતા ઓછા કર્મચારીઓ EPF યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે. 2022માં, EPFO પેટા-સમિતિએ પગાર મર્યાદા વધારવા અને યોજનામાં વધુ કર્મચારીઓનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી, જેને સેન્ટ્રલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
