NEET-UG 2024 પેપર લીક કૌભાંડના સૂત્રધારને CBI ની ક્લિનચીટ

  વર્ષ 2024માં સમગ્ર દેશને હચમચાવી દેનારNEET-UG પેપર લીક કેસમાં એક મોટો ખુલાસો થયો છે. બિહાર પોલીસ દ્વારા આ પેપર લીક રેકેટના કથિત મુખ્ય સૂત્રધાર…

 

વર્ષ 2024માં સમગ્ર દેશને હચમચાવી દેનારNEET-UG પેપર લીક કેસમાં એક મોટો ખુલાસો થયો છે. બિહાર પોલીસ દ્વારા આ પેપર લીક રેકેટના કથિત મુખ્ય સૂત્રધાર ગણાવાયેલા સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાને CBI દ્વારા ક્લીન ચિટ આપી દેવામાં આવી છે. બિહાર પોલીસ પાસેથી આ કેસની તપાસ હાથમાં લીધા બાદ CBI એ આ પગલું ભર્યું છે.

CBI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 2024ની NEET-UG પરીક્ષાના પેપર લીક અથવા તેની વહેંચણીમાં સંજીવ મુખિયા સામેલ હોવાના કોઈ પુરાવા તપાસ દરમિયાન મળ્યા નથી. વર્ષ 2024માં જ્યારે બિહાર પોલીસે આ કેસની પ્રાથમિક તપાસ શરૂૂ કરી હતી, ત્યારે સંજીવ મુખિયા ભૂતકાળમાં અન્ય પેપર લીક કેસોમાં સંકળાયેલો હોવાથી તેના પર શંકા ગઈ હતી. આ શંકાના આધારે જ બિહાર પોલીસે એફઆઈઆર (FIR) માં તેને આરોપી તરીકે દર્શાવ્યો હતો.

કેસની તપાસ પોતાના હાથમાં લીધા પછી CBI એ પ્રશ્નપત્રની ચોરી કરવાથી લઈને, તેની વહેંચણી કરવા અને તેનો ફાયદો ઉઠાવનાર તમામ લોકોની ઓળખ કરી લીધી છે. CBI દ્વારા પટણા કોર્ટમાં 45 લોકો વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે અલગ-અલગ ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સંજીવ મુખિયા ફરાર થઈ ગયો હતો અને પાછળથી બિહાર પોલીસે તેની અટકાયત કરી હતી.

એફઆઈઆરમાં નામ હોવાને કારણે CBI એ પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં લીધો હતો. પરંતુ, ઊંડાણપૂર્વકની તપાસ બાદ પણ કોઈ પુરાવા ન મળતા CBI એ તેની સામે કોઈ ચાર્જશીટ દાખલ કરી ન હતી, જેના પગલે તેને NEET-UG કેસમાં જામીન મળી ગયા હતા. જોકે, બિહાર પોલીસ દ્વારા ચલાવાતા અન્ય કેસોમાં પણ આરોપી હોવાના કારણે તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *