વાંગચૂકના દાવા મુજબ તેમને સંસદકૂચમાં જોડાનારા સામે કાનૂની કાર્યવાહી ન કરવાની, આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓને વળતર તથા સંસદમાં ચર્ચાની ખાતરી પણ શિક્ષણ પ્રધાનના રાજીનામાની ખાતરી નહીં
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કર્યા બાદ સરકાર તરફથી મળેલા લેખિત આશ્વાસનો અંગે વિગતવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે લાંબી ચર્ચા અને અનેક શરતો પર સહમતી બાદ જ તેમણે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. સોનમ વાંગચુકે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે છેલ્લા બે દિવસ દરમિયાન સરકાર સાથે ગંભીર ચર્ચા ચાલી હતી. તેમણે કહ્યું કે તેમને માત્ર મૌખિક નહીં પરંતુ લેખિત ખાતરી જોઈએ હતી અને અંતે સરકાર દ્વારા લેખિત આશ્વાસન આપવામાં આવ્યું, ત્યારબાદ તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરી.
વાંગચુકના જણાવ્યા મુજબ સરકાર તરફથી તેમને મુખ્ય આશ્વાસનો આપવામાં આવ્યા છે જેમાં જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ અને 20 જુલાઈના ’સંસદ ચલો’ માર્ચમાં જોડાયેલા લોકો સામે કોઈ FIR અથવા કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે. પેપર લીક પ્રકરણ સાથે જોડાયેલા મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવા પર વિચાર કરવામાં આવશે તથા પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે સંસદમાં વિસ્તૃત ચર્ચા અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ ખાતરી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે તેમની સામે બે વિકલ્પ હતા-અનિશ્ચિત સમય સુધી અનશન ચાલુ રાખવું અથવા આંદોલનને આગળ વધારવા માટે પોતાનું જીવન બચાવવું. તેમણે બીજો માર્ગ પસંદ કર્યો કારણ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને આંદોલન ચાલુ રહેવું વધુ મહત્વનું છે.
વાંગચુકે ભારપૂર્વક જણાવ્યું કે તેમના માટે કોઈ એક વ્યક્તિનું રાજીનામું સૌથી મહત્વપૂર્ણ મુદ્દો નહોતો. તેમણે કહ્યું કે સૌથી મોટી સફળતા એ છે કે શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી નહીં થાય અને પેપર લીક જેવા ગંભીર મુદ્દા પર સંસદમાં ચર્ચા થશે. તેમણે દેશભરના વિદ્યાર્થીઓ અને સમર્થકોનો આંદોલન દરમિયાન સતત મળેલા સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો.
ધર્મેન્દ્ર નહીં શિક્ષણ સચિવ બદલાયા: વિનિત જોષીના સ્થાને નરેશ ગંગવાર
કથિત નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓ સહિત સીજીપી દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ઉચ્ચ કક્ષાએ મોટો વહીવટી ફેરફાર કરીને શિક્ષણ મંત્રાલયના સચિવ વિનીત જોશીને તેમની મંત્રાલયની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા છે અને તેમના સ્થાને વરિષ્ઠ આઈએએસ અધિકારી નરેશ ગંગવારને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના નવા સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. રાજસ્થાન કેડરના 1994 બેચના આઈએએસ અધિકારી નરેશ ગંગવાર અત્યાર સુધી મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. સત્તાવાર રીતે જારી કરવામાં આવેલા અમલદારશાહીના ફેરફારના આદેશના ભાગરૂૂપે હવે તેમને શિક્ષણ મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં વિનીત જોશીને હટાવવા પાછળનું કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી.
