બે મકાન, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ
ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂૂ કરી છે. આજે 23 માર્ચની સવારથી અચાનક પાંચ અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનોને તોડવાના શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
હાલમાં ચાર જેસીબી મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી. સવારે 8થી 10 વાગ્યા સુધીમાં એક મહિલા બુટલેગર સહિત બેના ઘર, તેમજ ગેરકાયદેસર બાંધકામ ધરાવતી 14 દુકાન અને 7 ઓરડી તોડી પાડવામાં આવી છે અને કામગારી હજુ પણ ચાલી રહી છે. આરોપીઓમાં ચાર મહિલા બુટલેગર અને એક પુરુષ છે જે શરીર સંબધિત ગુનાનો આરોપી છે.
આ લોકોના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન
1. અંજનાબેન પંકજભાઈ રાઠોડ
2. મીનાબેન રાકેશભાઈ રાઠોડ
3. પ્રીતિબેન આરજુભાઈ
4. હિરલબેન નિમેષભાઈ પરમાર
5. મોહમ્મદ ઝુબેર જાહીદભાઈ શેખ
