બજેટ સત્રનો ધમાલિયો પ્રારંભ; ટ્રેડ ડિલ-ફીકસ પે મુદ્દે બઘડાટી

રાજ્યપાલે પ્રવચન ટૂંકાવવું પડયું; ‘ટ્રેડ ડીલ હટાવો-કિશાન બચાવો’ની નારેબાજી, ખેડૂતોના દેવા મુદ્દે પાટલીઓ ગુંજી, બુધવારે બજેટ રજૂ થશે ગુજરાત વિધાનસભામાં આજથી (16 ફેબ્રુઆરી) બજેટ સત્રનો…

રાજ્યપાલે પ્રવચન ટૂંકાવવું પડયું; ‘ટ્રેડ ડીલ હટાવો-કિશાન બચાવો’ની નારેબાજી, ખેડૂતોના દેવા મુદ્દે પાટલીઓ ગુંજી, બુધવારે બજેટ રજૂ થશે

ગુજરાત વિધાનસભામાં આજથી (16 ફેબ્રુઆરી) બજેટ સત્રનો પ્રારંભ થયો છે. 15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં. તો સત્રની શરૂૂઆત પહેલાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચનમાં રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો.

દિવંગત સભ્યોના આત્માની શાશ્વત શાંતિ માટે સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખભાઈ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. શ્રી મોહંમદભાઈ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલાભાઇ રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુભાઇ પરમાભાઇ ડોડિયા અને સ્વ. બાવનજીભાઈ હંસરાજભાઈ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજૂ થયા હતા.

મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો-રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યોના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રી અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના ધારાસભ્યો તુષાર ચૌધરી, ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાએ પણ આ શોક દર્શક ઉલ્લેખોમાં પોતાનો સૂર પુરાવીને દિવંગત પૂર્વ સદસ્યોને ભાવાંજલિ આપી હતી. આ સૌ સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોના પરિવારજનોને વિધાન સભા અધ્યક્ષ મારફતે સમગ્ર ગૃહ વતી દિલસોજી સંદેશ પાઠવવામાં આવ્યા હતા. આ સૌ દિવંગત સભ્યોના સન્માનમાં સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

આપના ધારાસભ્યો પ્લેકાર્ડ લઈને વિધાનસભામાં પહોંચ્યા
વિધાનસભા સત્ર શરૂૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવાએ પ્લેકાર્ડ બતાવી ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં અને જણાવ્યું હતું કે, અમેરિકાના દબાણમાં આવીને ભારત સરકારે ટ્રેડ ડીલ કરી છે. અમેરિકાને ફાયદો થાય અને ગુજરાત સહિત પૂરા ભારતના ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોને નુકસાન થાય એવી એક તરફી ટ્રેડ ડીલ કરવામાં આવી છે. ભારત સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ છે. પહેલા ભારતની વસ્તુઓ પર અમેરિકામાં 0% ટેક્સ હતો હવે 18% ટેક્સ લાગશે જ્યારે અમેરિકાની અનેક ખેતીલક્ષી પ્રોડક્ટોના આયાત પર ભારતે ટેક્સ ઝીરો કરી નાખ્યો છે. અમેરિકાથી કપાસ દૂધ સસ્તામાં આવશે તો આપણા ખેડૂતો જે દૂધ અને કપાસ પેદા કરે છે એનું શું થશે ? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *