ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન અને સદનના અપમાનનું નોટિસ આપ્યું છે. આ નોટિસ 29 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ સદનમાં કરેલી ‘સ્ટુડન્ટ્સ, ઇડિયટ અને અંધભક્ત’ અંગેની ટિપ્પણીને લઈને આપવામાં આવી છે.
અનુરાગ ઠાકુરે આ ભાષાને સંસદીય મર્યાદા વિરુદ્ધ, અપમાનજનક અને માનહાનિકારક ગણાવી છે. તેમણે લોકસભાના નિયમ 352(ii), (iii) (vii)નું ઉલ્લંઘન થયાનો આરોપ મૂક્યો છે.
જોકે, રાહુલ ગાંધીએ સદનમાં વાપરેલા ‘ઇડિયટ’ અને ‘અંધભક્ત’ જેવા શબ્દો સંસદીય કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
29 જુલાઈના રોજ લોકસભામાં એન્ટી-પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ જંતર મંતર પર એક મહિલા વિદ્યાર્થિની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોઈ વ્યક્તિનું નામ લીધા વગર લોકોની ત્રણ કેટેગરી જણાવી હતી. સત્તાપક્ષ તરફથી સંસદીય કાર્યમંત્રી કિરેન રિજીજુએ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સદનમાં કોઈ સભ્ય કે કોઈ વ્યક્તિનું નામ લઈને વાત નથી કરી રહ્યા, પરંતુ વિદ્યાર્થિનીએ કહેલા શબ્દો જ શેર કરી રહ્યા છે.
અનુરાગ ઠાકુરે સ્પીકર ઓમ બિર્લાને લખેલા નોટિસમાં કહ્યું છે કે રાહુલ ગાંધીએ સંસદની ગરિમા ઘટાડી છે અને નાગરિકો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. તેમણે આ બાબતને વિશેષાધિકાર સમિતિને મોકલીને તપાસ કરાવવા તથા રાહુલ ગાંધી પાસેથી સદન અને ગૃહમંત્રી અમિત શાહ પાસે બિનશરતી માફી મંગાવવાની માંગ કરી છે.
