ગુજરાતમાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચુંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય બાદ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નવા સુકાનીઓ નકકી કરવા મોવડીમંડળ દ્વારા નિર્ણાયક કવાયત શરૂ કરવામાં આવી છે અને આજથી મુખ્યમંત્રી નિવાસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માના અધ્યક્ષસ્થાને ભાજપ પ્રદેશ ચુંટણી સમિતિની બેઠકનો પ્રારંભ થયો છે.
આ બેઠકમાં જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનો તેમજ મહાનગર પાલિકાઓનાં મેયર- ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનોની આખરી પસંદગી કરવામાં આવશે. આજથી ત્રણ દિવસ ચાલનાર આ ભાજપ ચુંટણી સમિતિની બેઠકમાં તબક્કાવાર વિવિધ સંસ્થાઓના નવા સુકાનીઓના નામ નકકી કરી સીલબંધ કવર તૈયાર કરવામાં આવશે.
આ અગાઉ જે તે મહાનગરપાલિકાઓના નિરિક્ષકો, ધારાસભ્યો, સાંસદ અને શહેર ભાજપ સંગઠનના નિયત હોદેદારોની યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં મેયર-ડેપ્યુટી મેયર- સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડક પદ માટે ત્રણ- ત્રણ વખત ચુંટાયેલા કોર્પોરેટરોની પેનલ બનાવવામાં આવી હતી. આ પેનલોમાંથી ચુંટણી સમિતિ એક એક નામ ફાઇનલ કરનાર છે.
આજ રીતે નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ- ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનોની સંકલન સમિતિએ નકકી કરેલી પેનલોમાંથી એક-એક નામ નકક્ી કરવામાં આવનાર છે. ત્રણ દિવસમાન નામો ફાઇનલ થઇ ગયા બાદ જે તે સંસ્થાની ખાસ સામાન્ય સભા બોલાવી તેમાં પ્રદેશ નિરિક્ષકોની હાજરીમાં નવા સુકાનીઓની ચુંટણી યોજાશે.
