ગુજરાત
ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત
વોર્ડ અને તાલુકા પ્રમુખપદ માટે 40 વર્ષની વયમર્યાદાએ ભડકો કર્યો ? કારકિર્દી બનાવવી કે રાજકારણ કરવું ?
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની પસંદગી માટે શનિ અને રવિવાર દરમિયાન ગુજરાતભરમાં ભાજપના ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ ગઇકાલે સાંજે અચાનક જ ભાજપના દિલ્હી સ્થિત હાઇકમાન્ડની સુચનાથી ગુજરાતભરમાં વોર્ડ અને તાલુકા (મંડલ) ભાજપના પ્રમુખોની પસંદગી પ્રક્રિયાને અચાનક જ બ્રેક મારી દેવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ગઇકાલે દિલ્હીથી ગુજરાત પ્રદેશ ભાજપને અને ત્યાંથી દરેક શહેર – જિલ્લા ભાજપ પ્રમુખોને સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દેવા સુચના આપવામાં આવતા પ્રમુખોની પસંદગી માટે આવેલા ચૂંટણી અધિકારીઓ પણ સાંજે રવાના થઇ ગયા હતા.
ભાજપના ટોચના સુત્રોના કહેવા મુજબ તાલુકા અને વોર્ડ ભાજપ પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં 40 વર્ષની વયમર્યાદા નકકી કરાઇ હતી. તેની સામે ભારે ઉહાપો થતા અને આ વયમર્યાદામાં મંડલ પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારો મળી શકે તેમ નહીં હોવાનો હાઇકમાન્ડ સુધી રિપોર્ટ પહોંચતા ગઇકાલે અચાનક સમગ્ર પ્રક્રિયાને બ્રેક મારી દેવામાં આવી હતી.
આ પૂર્વે ગત શનિવારે અને રવિવારે ગુજરાતભરમાં શહેર તથા જિલ્લા ભાજપ કાર્યાલયો ખાતે મંડલ પ્રમુખ પદના દાવેદારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જયારે આજથી બે દિવસ શહેર – જિલ્લા ભાજપ સંકલનની બેઠકો અને પ્રદેશ કક્ષાએથી નિમાયેલા ચૂંટણી અધિકારીઓ દ્વારા કાર્યકરોની સેન્સ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ તે પૂર્વે દિલ્હીથી અચાનક જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાની સુચના આવતા સ્થાનિક આગેવાનો પણ આશ્ર્ચર્યમાં મુકાયા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં 41 જિલ્લા અને 580 મંડલ છે. રાજય સરકારે થોડા મહિલા પહેલા પોરબંદર અને મોરબી સહિતની નગરપાલીકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપ્યો હતો. જેના કારણે ભાજપ સંગઠનમાં મંડલ અને જિલ્લા પ્રમુખોની સંખ્યા પણ વધે તેમ છે. ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મુદ્દત પુરી થઇ ગઇ હોવાથી આગામી જાન્યુઆરી માસમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક થાય તે પૂર્વે મંડલ અને જિલ્લા પ્રમુખોની નિમણુંકો માટે ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
વોર્ડ અને તાલુકા (મંડલ) ભાજપના પ્રમુખપદ માટે વયમર્યાદા 40 વર્ષ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે વયમર્યાદા 60 વર્ષ નકકી કરવામાં આવી હતી. આ ઉપરાંત સતત બે ટર્મ સુધી સક્રિય સભ્ય રહયા હોય તેમને જ પ્રમુખપદ માટે દાવેદાર ગણવાની માર્ગદર્શીકા પણ જાહેર કરવામાં આવી હતી. પરંતુ મંડલ પ્રમુખોમાં 40 વર્ષની વયમર્યાદાના કારણે ભાજપમાં અંદરખાને ભારે નારાજગી જોવા મળી હતી. આ ઉંમરે સામાન્ય રીતે કામધંધા સહિતની કારકીર્દી ઘડવામાં યુવાનો વ્યસ્ત હોય છે તેવામાં મફતનુ રાજકારણ કરવામાં યોગ્ય ઉમેદવારોએ રસ દાખવ્યો ન હોવાથી હાલની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહયુ છે. જો કે પ્રદેશ ભાજપ દ્વારા કયા કારણોસર સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરાઇ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર શહેર – જિલ્લા પ્રમુખોને મૌખિક સુચના આપી દેવામાં આવી છે.
વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવામાં આવે તેવી શકયતા
ભાજપમાં મંડલ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાને અચાનક બ્રેક મારી દેવામાં આવતા ભાજપમાં તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે. તેમા સૌથી ચર્ચાસ્પદ મુદ્દો મંડલ પ્રમુખ માટે 40 વર્ષની વયમર્યાદા હોવાનુ માનવામાં આવે છે. 40 વર્ષની ઉંમરના યુવાનો કારકીર્દી છોડીને મફતનુ રાજકારણ કરવા તૈયાર નહીં થતા લાયક ઉમેદવારો મળવા મુશ્કેલ હોવાનુ રીપોર્ટ ભાજપ હાઇકમાન્ડ સુધી જતા સમગ્ર પ્રક્રિયાને બ્રેક મારી દેવામાં આવી હોવાનુ સુત્રો જણાવી રહયા છે. ભાજપના સુત્રોના કહેવા મુજબ આગામી દિવસોમાં આ વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત અન્ય કેટલાક નિયંત્રણો પણ હળવા કરવા પાર્ટી ઉપર તાલુકા કક્ષાએથી ભારે દબાણ હોવાની ચર્ચા છે.
રાજકોટ શહેરના 18 વોર્ડમાં 132, જિલ્લાના 17 મંડલમાં 111 દાવેદાર
ગુજરાત ભાજપ દ્વારા વોર્ડ અને તાલુકા પ્રમુખોની નિમણુંક માટે શનિ-રવિ દરમિયાન 40 વર્ષ સુધીના દાવેદારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ દરમિયાન રાજકોટ શહેરના 18 વોર્ડમાં 132 દાવેદારોએ ફોર્મ ભર્યા હોવાનુ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યુ હતુ. ત્યારે રાજકોટ જિલ્લાના તાલુકા અને ગોંડલ – ધોરાજી – જેતપુર – ઉપલેટા – જસદણ સહિતના 17 મંડલો માટે કુલ 111 ઉમેદવારોએ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યા હોવાનુ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોરીયાએ જણાવ્યુ હતુ. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યુ હતુ કે ગઇકાલ સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા થઇ હતી. પરંતુ ત્યારબાદ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાની પ્રદેશમાંથી સુચના આવતા હાલ આ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ