ભાજપના નેતાઓ તરફથી જયજયકાર ચિદમ્બરમ્, રાહુલ દ્વારા ઉગ્ર તિરસ્કાર

આ બજેટ જોઇને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ તો ડઘાઇ ગયા હશે! ભાજપના હાઇકમાન્ડ દ્વારા દેશના તમામ ભાજપ શાસિત રાજયોમાં કેબીનેટ પ્રધાનોને આપવામાં આવેલી સુચના પ્રમાણે દેશભરની રાષ્ટ્રીય…

આ બજેટ જોઇને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ તો ડઘાઇ ગયા હશે!

ભાજપના હાઇકમાન્ડ દ્વારા દેશના તમામ ભાજપ શાસિત રાજયોમાં કેબીનેટ પ્રધાનોને આપવામાં આવેલી સુચના પ્રમાણે દેશભરની રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલોમાં ભાજપ તરફી નેતાઓએ બજેટના સકારાત્મક અભિપ્રાયો વ્યક્ત કરીને હિઝ માસ્ટર્સ વોઇસ જેમ કેસરીયા વાજિંત્ર વગાડયા હતા એની સામે જયાં વિપક્ષની સરકારો છે ત્યાંના નેતાઓએ બધા લઇ ગયા ને પોતે રહી ગયા જેવા રોદણા રડવાના ચાલુ કરી દીધા હતા.
પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને નાણા તથા વાણિજયના નિષ્ણાંત પી.ચિદમ્બરમે કેન્દ્રીય બજેટના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે ટેરિફ, વિદેશી રોકાણોનું પરત જવું, વધતી રાજકોષીય ખાધ, લાખો સ્ટાર્ટઅપનું બાળમરણ, બેરોજગારી, શહેરોનું થર્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે અંગે નિર્મલા ચુપ કેમ છે?

એવું લાગે છે કે સીતારમણે કાં તો આર્થિક સર્વેક્ષણને બરાબર વાંચ્યું નથી અથવા તો તેને જાણીજોઈને અવગણ્યું છે. ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, નાણામંત્રીના ભાષણમાં અગાઉ રજુ કરાયેલા આર્થિક સર્વેક્ષણનો વિરોધાભાવ જોવા મળે છે.

મીડિયા સાથે વાત કરતા ચિદમ્બરમે સરકારને ઘેરતા કહ્યું, ’આજે સંસદમાં નાણામંત્રીના ભાષણમાં જે કંઈ સાંભળવા મળ્યું તેનાથી અર્થશાસ્ત્રનો દરેક વિદ્યાર્થી સ્તબ્ધ થઈ ગયો હશે. બજેટ એ માત્ર વાર્ષિક આવક અને ખર્ચનું નિવેદન નથી. વર્તમાન સંજોગોમાં બજેટ ભાષણે એ મુખ્ય પડકારો પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કરવો જોઈતો હતો. જેનો ઉલ્લેખ થોડા દિવસો પહેલા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 માં કરવામાં આવ્યો હતો.’ ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, પરંતુ નાણામંત્રીએ પોતાના ભાષણમાં કોઈ પણ પડકાર વિશે વાત કરી નથી.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો કે, “બજેટ ભાષણની સૌથી ગંભીર બાબત એ છે કે, નાણામંત્રી માત્ર નવી યોજનાઓ, મિશન, સંસ્થાઓ, પહેલ અને ભંડોળની સંખ્યા વધારતા થાકતા નથી. મેં આવી ઓછામાં ઓછી 24 યોજનાઓની ગણતરી કરી છે. હું તમારી કલ્પના પર છોડું છું કે આવતા વર્ષ સુધીમાં આમાંથી કેટલી યોજનાઓ ભુલાઈ જશે અને ગાયબ થઈ જશે.” આ ઉપરાંત, ચિદમ્બરમે તમિલનાડુને બજેટમાં પૂરતો ફાયદો ન મળવા બદલ પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે નાણામંત્રીએ વારંવાર તમિલનાડુને નજરઅંદાજ કર્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે વાર્ષિક બજેટ રજૂ કર્યાના થોડા સમય પછી, વિપક્ષે આકરા પ્રહારો કર્યા, સરકાર પર બેરોજગારી અને મૂડીના પ્રવાહ જેવા મુખ્ય આર્થિક તાણને અવગણવાનો આરોપ લગાવ્યો, જ્યારે સીતારમણે એનડીએના રેકોર્ડને સ્થિર, સુધારા-આધારિત અને વિકાસલક્ષી ગણાવ્યો.

એકસ પરની એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ બજેટના મુખ્ય મુદ્દાઓ – યુવાનોની બેરોજગારી, નબળું ઉત્પાદન, રોકાણકારો દ્વારા મૂડીનું પલાયન, ઘટતી ઘરગથ્થુ બચત, કૃષિ સંકટ અને વૈશ્વિક આંચકા – તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે બજેટ “કોર્સ કરેક્શનનો ઇનકાર કરે છે” અને “ભારતની વાસ્તવિક પરિસ્થિતિઓથી અંધ છે”.
કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે જણાવ્યું હતું કે સીતારમણ દ્વારા આપવામાં આવેલું ભાષણ “અપારદર્શક” હતું કારણ કે તેમાં મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ માટે બજેટ ફાળવણીનો કોઈ ખ્યાલ નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *