ભાજપનો પશ્ર્ચિમ બંગાળમાં અને એય લેડી ડોન કક્ષાની મમતા સામેનો વિજય સ્વયં ભાજપના ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ છે. કારણ કે ભાજપના સંખ્યાબંધ કાર્યકરોની રાજકીય શહાદત બાદ ભાજપના આ મુકામે પહોંચેલો પક્ષ છે. ભાજપના જવલંત બંગ વિજયમાં અનેક ભાજપના કાર્યકરોના પરિવારોની અશ્રુકથાઓ પણ છુપાયેલી છે. બાહરી છે, ગુજરાતી છે, આપણા દુશ્મન છે એવી વગેરે વગેરે અનેક દંતકથાઓ લેડી ડોને મતદારોમાં તરતી મુકી છતાં પંદર વરસે બંગાળી પ્રજાનો આત્મરામ જાગ્યો અને એણે એક ઝાટકે મમતાને આઉટ કરી દીધી. આ લોકશાહીનો અને મુંગા મતદાનનો ચમત્કાર છે. પશ્ચિમ બંગાળ, આસામ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરી એ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોથી ભાજપમાં હરખની હેલી આવી ગઈ છે જ્યારે વિપક્ષી છાવણીમાં ઘોર નિરાશા છે.
પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો હરખાવા જેવો દેખાવ છે ને તેમાં પણ બંગાળમાં તો 15 વર્ષથી જામી પડેલાં મમતા બેનરજીને પછાડીને ભાજપે જીત મેળવી છે તેથી ભાજપને ખુશ થવાનો પૂરો અધિકાર છે. બંગાળની ચૂંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો. બંગાળની જીતે ભાજપની માત્ર આબરૂૂ જ નથી સાચવી પણ ભાજપ ચૂંટણીઓમાં ધારે એ કરી બતાવે છે એ પણ સાબિત કર્યું છે. વરસોથી ભાજપનું સપનું પશ્ચિમ બંગાળમાં સત્તા કબજે કરીને મમતા બેનરજીને ઘરભેગાં કરવાનું હતું અને ત્રીજા પ્રયત્ને ભાજપ સફળ થયો છે. બંગાળ વિધાનસભાની 293 બેઠકોમાંથી 191 એટલે કે લગભગ બે તૃતીયાંશ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો છે અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. આસામમાં અપેક્ષા પ્રમાણે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને સતત ત્રીજી વાર સત્તા કબજે કરી છે તેથી ભાજપ ખુશ છે જ્યારે તમિળનાડુમાં ભાજપનો સાથી એઆઈએડીએમકે બીજા નંબરે આવ્યો અને પુડુચેરીમાં ભાજપના સાથી એઆઇએનઆરસીની ફરી સરકાર રચાશે તેથી ભાજપ ખુશ છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ વિરોધના મશાલચી એવા બે ધુરંધર મમતા બેનરજી અને એમ.કે. સ્ટાલિનની ભાવિનો ફેંસલો થઈ ગયો છે ને બંને ઘરભેગાં થઈ ગયાં છે. મમતાને ભાજપે ઘરભેગાં કર્યાં જ્યારે તમિળનાડુમાં તાજા તાજા રાજકારણી બનેલા ફિલ્મ અભિનેતા વિજયે ભાજપનું કામ કરી નાંખ્યું છે. વિજય ભાજપનો વિરોધી છે તેથી તેની જીતથી ભાજપને સીધ ભાજપને સીધો કોઈ ફાયદો નથી. ઊલટાનું સત્તાની લાલચમાં એઆઈએડીએમકે ભાજપને તરછોડીને વિજયની પંગતમાં બેસી જાય એવો ખતરો છે પણ એ બધી પછીની વાત છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બહુ મોટી છે કેમ કે મમતા બેનરજીની ગુંડાગીરી ને ઝનૂન સામે ટકવું સરળ નથી. કોંગ્રેસ અને ડાબેરીઓ તો બહુ પહેલાં જ મમતા સામેના જંગમાં સાફ થઈ ચૂક્યા છે પણ ભાજપે હથિયાર હેઠાં મૂકવાના બદલે જંગ ચાલુ રાખ્યો. ભાજપ છેલ્લાં 10 વર્ષથી મમતાને પછાડવા મથતો હતો. 2016 અને 2021ની ચૂંટણીમાં પણ ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી. મમતાની તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓને તોડીને ભાજપમાં લઈ આવવાથી માંડીને ઉગ્ર હિંદુત્વ સુધીનાં બધાં હથિયાર ભાજપે અજમાવી દીધેલાં પણ મમતાને પછાડવામાં સફળ નહોતાં થયાં.
બંગાળની હાર સાથે મમતા બેનરજીના રાજકીય ભવિષ્ય સામે સવાલ ઊભો થઈ ગયો છે. સાવ નંખાઈ ગયેલાં મમતા અત્યારે 71 વર્ષનાં છે ને ભાજપની આક્રમકતા સામે ટક્કર લેવાનું તેમનું ગજું હવે લાગતું નથી એ જોતાં મમતાની રાજકીય કારકિર્દીનો સંકેલો થઈ જાય એવી પૂરી શક્યતા છે. તૃણમૂલ કોંગ્રેસ પાસે બીજી જોરદાર નેતાગીરી નથી એ જોતાં ધીરે ધીરે તૃણમૂલ જ નામશેષ થઈ જાય એવો પણ પૂરો ખતરો છે.
વિજયની પાર્ટીને સ્પષ્ટ બહુમતી માટે જરૂૂરી બેઠકો નથી મળી પણ બહુમતીથી બહુ દૂર પણ નથી. વિજયની પાર્ટીનો પનો પાંચેક બેઠકો માટે ટૂંકો પડયો છે ને એટલા ધારાસભ્યો તો ગમે ત્યાંથી? મળી શકે. તમિળનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકેની સાથે રહીને લડનારા ઉચકૂચિયા પક્ષોમાંથી પીએમકે જેવા પક્ષો વિજયની પંગતમાં બેસી શકે. કોંગ્રેસે ચાર બેઠકો જીતી છે ને કોંગ્રેસ પણ વિજય સાથે જઈ શકે એ જોતાં વિજય મુખ્યમંત્રી બનશે તેમાં શંકા નથી. વિજયે બે વર્ષ પહેલાં જ રાજકીય પક્ષ રચેલો. પ્રચાર દરમિયાન રેલીમાં થયેલી ધક્કામુકીના કારણે લોકોનાં મોત નિપજવા સહિતની ઘટનાઓ બની ને વિજય લોકોની વચ્ચે રહેવાના બદલે ભાગી ગયો એવું પણ થયું છતાં તમિળ પ્રજાએ વિજયમાં વિશ્વાસ મૂક્યો છે એ મોટી વાત છે. સ્ટાલિને તમિળનાડુની પ્રજામાં હિંદી ભાષા વિરોધી ઉન્માદ ઊભો કરેલો ને એ તેના દીકરા ઉદયનિધીએ સનાતન ધર્મ વિરોધી બકવાસ કરેલો. સ્ટાલિન તથા તેના દીકરા ઉદયનિધીને ઘરભેગા કરીને તમિળ પ્રજાએ આકરો પાઠ ભણાવ્યો છે.
દેશનાં બાકીનાં ત્રણ રાજ્યોમાં અપેક્ષા પ્રમાણેનાં પરિણામ આવ્યા છે. આસામમાં ભાજપે સતત ત્રીજી વાર જીતીને સત્તા હાંસલ કરી છે ને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. ભાજપે સતત 10 વર્ષના શાસન પછી લગભગ બે તૃતિયાંશ બહુમતી મેળવી છે એ મોટી વાત છે. બીજે બધે ધોવાઈ ગયેલી કોંગ્રેસે કેરળમાં આબરૂૂ સાચવી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ ડાબેરી મોરચાને પછાડીને પિનારાથી વિજયનના 10 વર્ષનાં શાસનનો અંત આણ્યો તેમાં કોંગ્રેસની તાકાત કરતાં વધારે ફાળો ડાબેરીઓની નબળાઈનો છે. નાનકડા પુડુચેરીમાં ભાજપ અને તેના સાથી ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસે સત્તા જાળવી છે અને કોંગ્રેસની સત્તા કબજે કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
