વિધાનસભાની આગામી ચૂંટણીના વ્યૂહ અંગે ભાજપનું મનોમંથન

બેઠકોનું એ,બી અને સી કેટેગરીમાં વિભાજન, હારેલી બેઠકો ઉપર ફોકસ અમિત શાહે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ સહિતનાઓ સાથે યોજી બેઠક ગુજરાત વિધાનસભાની આગામી…

બેઠકોનું એ,બી અને સી કેટેગરીમાં વિભાજન, હારેલી બેઠકો ઉપર ફોકસ

અમિત શાહે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ સહિતનાઓ સાથે યોજી બેઠક

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગઈકાલે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીઓ માટેના રોડમેપ અંગે મંથન થયું હોવાનું ચર્ચાએ વેગ પકડ્યો છે.

આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભાજપના તમામ પ્રદેશ મહામંત્રીઓએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીની સીધી દેખરેખ હેઠળ મળેલી આ બેઠક રાજકીય દ્રષ્ટિએ ઘણી સૂચક માનવામાં આવી રહી છે.

અગાઉ 28 મેના રોજ પણ અમિત શાહની હાજરીમાં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોનું ઝીણવટભર્યું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. ગત મહિનાના આ એનાલિસિસને આધાર બનાવીને જ હવે આગામી વિધાનસભાની બેઠકો માટે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં વિધાનસભાની બેઠકોને અ, ઇ અને ઈ કેટેગરીમાં વહેંચીને ખાસ મંથન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગત વિધાનસભામાં જે બેઠકો પર પરાજય થયો હતો તેની પાછળના કારણોની સમીક્ષા કરવામાં આવી શકે છે. તો જે તે સમયે જે બેઠકો ભાજપે મોટા માર્જિન સાથે જીતી હતી, ત્યાં વર્તમાન સ્થિતિ કેવી છે તેનો પણ ક્યાસ મેળવવામાં આવ્યો હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. તેમજ બેઠકમાં ભાજપની વિવિધ વર્ગો પરની પકડ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યત્વે યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર પાર્ટીનો પ્રભાવ અને આદિવાસી સમુદાય સાથેનો સંપર્ક અને સંગઠનની સ્થિતિ અંગે મંથન થયું છે.

આ ઉપરાંત સિનિયર સિટીઝનથી લઈને જેન-ઝી સુધીના મતદારો સાથે સમન્વય સાધવાના પ્રયાસો થયા હોવાની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે બેઠકમાં એક મહત્વનો મુદ્દો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓનો પણ હતો. જેમાં સરકાર અને સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ સાધીને આ લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચવું, તે અંગે ખાસ સમીક્ષા કરવામાં આવી હોવાની શક્યતા છે. જ્યારે એક કલાકથી વધુ સમય ચાલેલી આ બેઠકમાં રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અને વર્તમાન સામાજિક-રાજકીય સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હોય તો નવાઈ નહીં. આમ, અમિત શાહની આ મુલાકાત અને કમલમ ખાતેની બેઠક દ્વારા ભાજપે ચૂંટણી પહેલા પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા અને ઝોન વાઈઝ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવા તરફ કદમ વધાર્યા હોવાની ચર્ચા મોખરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *