અસમ ચૂંટણી પહેલાં પવન ખેરાએ રાજકીય બોંબ ફોડ્યો, કટ્ટર હિન્દુવાદી મુખ્યમંત્રીની પત્નીના બે મુસ્લીમ દેશોના પાસપોર્ટ જાહેર કર્યા, અમેરિકામાં કંપની દ્વારા હોટેલ બિઝનેસમાં અબજોનું રોકાણ; SIT તપાસની માંગ
અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની રિનિકી ભુયાન સરમા પાસે યુએઈ, ઇજિપ્ત અને એન્ટિગુઆ-બાર્બુડાના ત્રણ વિદેશી પાસપોર્ટ હોવાનો અને વિદેશમાં મિલકતો તેમજ કંપનીઓ હોવાનો આરોપ લગાવીને કોંગ્રેસે મોટો રાજકીય વિવાદ ઊભો કર્યો છે. આ આરોપો અસમ વિધાનસભા ચૂંટણી (2026) પહેલાં કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસે મુખ્યમંત્રી સરમાની અયોગ્યતા અને અટકાવની માંગ કરી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે રિનિકી સરમા પાસે યુએઈ (માર્ચ 2022માં જારી, 2027 સુધી માન્ય), ઇજિપ્ત અને એન્ટિગુઆ-બાર્બુડા (ઓગસ્ટ 2021માં જારી)ના પાસપોર્ટ છે. વધુમાં, તેમણે દુબઈમાં મિલકત અને અમેરિકાના વ્યોમિંગમાં નોંધાયેલી કંપનીનો ઉલ્લેખ કર્યો, જેનું બજેટ 34.67 અબજ અમેરિકી ડોલર (લગભગ 52,000 કરોડ રૂૂપિયા) છે અને હોટેલ વ્યવસાયમાં પ્રવેશવાની યોજના છે.
પવન ખેરાએ કહ્યું કે આ વિદેશી સંપત્તિ અને નાગરિકત્વની માહિતી મુખ્યમંત્રી સરમાના ચૂંટણી હલફનામામાં છુપાવવામાં આવી છે, જે ભારતીય કાયદાનું ઉલ્લંઘન છે. ભારતમાં ડ્યુઅલ સિટિઝનશિપની મંજૂરી ન હોવાથી તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રિનિકી સરમા ભારતીય નાગરિક છે કે નહીં. કોંગ્રેસે માંગ કરી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ SIT ગઠન કરે અને સરમાને ચૂંટણીમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવે.
આ વિવાદ અસમ વિધાનસભા ચૂંટણી પહેલાંના રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે. કોંગ્રેસ આ આરોપોને ભ્રષ્ટાચાર અને વિદેશમાં સંપત્તિ છુપાવવાના પુરાવા તરીકે રજૂ કરી રહી છે, જ્યારે ભાજપ તેને વિરોધીઓની હતાશા અને પ્રચાર તરીકે જુએ છે. હાલમાં કોઈ આધિકારિક તપાસ શરૂૂ થઈ નથી અને વિવાદ ચાલુ છે. અસમના મતદારો આ રાજકીય દાવપેચ પર નજર રાખી રહ્યા છે.
મારી સામેના આક્ષેપો બેબુનિયાદ : હિમંતા સરમા
હિમંતા બિસ્વા સરમાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે તેને નિરાશાજનક, બેબુનિયાદ અને રાજકીય ષડ્યંત્ર ગણાવ્યા. સરમાએ કહ્યું કે દસ્તાવેજોમાં ડિજિટલ ટેમ્પરિંગ, નામ અને અટકમાં અસંગતતા, બાયોમેટ્રિક ફોટા તરીકે જાહેર છબીઓનો ઉપયોગ, યુએઈ આઈડીમાં નેશનાલિટીની વિસંગતતા, ઇજિપ્તીયન પાસપોર્ટમાં સ્પેલિંગ ભૂલ અને અમાન્ય ચછ કોડ જેવી અનેક ત્રુટિઓ છે. તેમણે 48 કલાકમાં પવન ખેરા સામે ફોજદારી અને સિવિલ ડિફેમેશનનો કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે. સરમાએ કહ્યું, સત્ય જીતશે. જે લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તેઓને જવાબદાર ઠેરવવામાં આવશે. પવન ખેરાની આ ખોટી મુહિમનો અંત નજીક છે અને આખરે તેઓ જેલમાં જશે.
