બિહારના CM નીતિશ કુમારે આજે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી નીતિશ સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહીત અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા. નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે.
બિહારના CM નીતિશ કુમારે એક્સ પર આ જાહેરાત કરતા લખ્યું, “જ્યારથી મેં મારી સંસદીય કારકિર્દી શરૂ કરી હતી, ત્યારથી મને બિહાર વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા હતી. આ મુજબ, હું આ ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય બનવાની ઇચ્છા રાખું છું.” તેમણે વધુમાં કહ્યું- બિહારની નવી સરકારને મારો પૂર્ણ સહયોગ રહેશે.
2025ની વિધાનસભા ચૂંટણીમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA)ને પ્રચંડ વિજય અપાવ્યા બાદ નીતિશ કુમારે રાજીનામું આપી રહ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. જો આવું થાય, તો બિહારમાં પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી હશે. હિન્દી ભાષી રાજ્યોમાં, બિહાર અત્યાર સુધી એકમાત્ર રાજ્ય રહ્યું છે જ્યાં ભાજપનો મુખ્યમંત્રી નથી. બિહારમાંથી રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી 16 માર્ચે યોજાવાની છે, અને ગુરુવાર એ નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ છે.
