પ્રથમ ફોજદારી અને બાદમાં સિવિલ કેસ પરત ખેંચાશે તેવો મીડિયા અહેવાલ
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ માટે અમેરિકાથી ખૂબ જ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના ગંભીર આરોપોમાં હવે ગૌતમ અદાણીને મોટી રાહત મળવાના સંકેતો મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન એજન્સીઓ અદાણી વિરુદ્ધના આ કેસોને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહી છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકાનું ન્યાય વિભાગ ગૌતમ અદાણી વિરુદ્ધ નોંધાયેલા ફોજદારી કેસોને પાછા ખેંચવાની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. આ સાથે જ, અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) પણ નવેમ્બર 2024માં નોંધાયેલા સમાંતર સિવિલ ફ્રોડ કેસને ઉકેલવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, હજુ સુધી અદાણી ગ્રૂપ કે અમેરિકન વહીવટીતંત્ર તરફથી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
નવેમ્બર 2024માં બ્રુકલિન સ્થિત યુએસ એટર્ની ઓફિસે ગૌતમ અદાણી અને અન્ય લોકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તપાસ એજન્સીનો દાવો હતો કે ભારતમાં સોલર પાવર પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે અંદાજે 25 કરોડ ડોલરની લાંચ આપવાની યોજના ઘડવામાં આવી હતી. વધુમાં એવો પણ આક્ષેપ હતો કે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરતી વખતે આ હકીકતો છુપાવવામાં આવી હતી.
અદાણી ગ્રૂપે શરૂૂઆતથી જ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા. આ વર્ષની શરૂૂઆતમાં અદાણીના વકીલોએ કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરીને દલીલ કરી હતી કે SEC પાસે આ બાબતે કાર્યવાહી કરવાનો જરૂૂરી અધિકારક્ષેત્ર નથી. ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી અત્યાર સુધી અમેરિકન કોર્ટમાં હાજર થયા નથી, જેના કારણે આ કેસ લાંબા સમયથી અટવાયેલો હતો. જો હવે અમેરિકન એજન્સીઓ આ કેસ પડતો મૂકે છે, તો તે અદાણી ગ્રૂપ માટે વૈશ્વિક સ્તરે મોટી જીત ગણાશે અને તેનાથી ગ્રૂપના શેરોમાં પણ તેજી જોવા મળી શકે છે.
