ભાવનગરની CSMCRIએ 37% પાક ઉત્પાદન વધારતું ખાતર બનાવ્યું

દરિયાઇ શેવાળમાંથી બાયોસ્ટિમ્યુલન્ટ પધ્ધતિથી ખાતર બનાવવા માટે વિશાખાપટ્ટનમની કંપનીને કોમર્શિયલ ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરાઇ સોયાબીન-તલ-મગ-મકાઇ-ડાંગર-બટાટા-શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઇ, 43 એગ્રીકલ્સ યુનિવર્સિટીની 170 જગ્યાએ…

દરિયાઇ શેવાળમાંથી બાયોસ્ટિમ્યુલન્ટ પધ્ધતિથી ખાતર બનાવવા માટે વિશાખાપટ્ટનમની કંપનીને કોમર્શિયલ ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરાઇ

સોયાબીન-તલ-મગ-મકાઇ-ડાંગર-બટાટા-શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઇ, 43 એગ્રીકલ્સ યુનિવર્સિટીની 170 જગ્યાએ સફળ પરિક્ષણ

ભારતીય કૃષિ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. ભાવનગર સ્થિત CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CSMCRI) દ્વારા દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલી ’સીવીડ બાયોસ્ટિમ્યુલન્ટ’ એટલે કે દરિયાઈ શેવાળ આધારિત ખાતર બનાવવાની ટેકનોલોજીને વિશાખાપટ્ટનમની એક ખાનગી કંપનીને કોમર્શિયલ ઉત્પાદન માટે હસ્તાંતરિત કરવામાં આવી છે. આ સ્વદેશી મરીન ટેકનોલોજીના દેશભરમાં કરાયેલા પ્રયોગોમાં પાકના ઉત્પાદનમાં 11 ટકાથી લઈને 37 ટકા સુધીનો જંગી વધારો નોંધાયો છે, જેનાથી ભારતીય ખેતીની તસવીર બદલાઈ જવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

(CSIR-CSMCRI)ના નિયામક અરૂૂપ ઘોષના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજીનું દેશના 20 રાજ્યોમાં 43 કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓના સહયોગથી 170 થી વધુ સ્થળોએ ક્ષેત્રીય પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણો દરમિયાન ’કપ્પાફાઇકસ અલ્વારેઝી’ નામની શેવાળમાંથી તૈયાર કરાયેલા પ્રવાહી અર્ક (ઊં-જફા) ના ઉપયોગથી સોયાબીન, તલ, મગ, મકાઈ, ડાંગર, બટાકા અને શેરડી જેવા વિવિધ પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત, આ બાયોસ્ટિમ્યુલન્ટના નિયમિત ઉપયોગથી ખેતીમાં વપરાતા અકાર્બનિક કે રાસાયણિક ખાતરોના વપરાશમાં 20 ટકાથી 25 ટકા સુધીનો ઘટાડો શક્ય બને છે, જે જમીનની ફળદ્રુપતા જાળવવામાં અને ખેતીનો ખર્ચ ઘટાડવામાં ખૂબ જ મદદરૂૂપ સાબિત થશે.

વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ આ દરિયાઈ ખાતર માત્ર ઉત્પાદન જ નથી વધારતું પરંતુ છોડને કુદરતી આફતો અને રોગો સામે લડવાની શક્તિ પણ પૂરી પાડે છે. તે છોડને ગંભીર દુષ્કાળ, જમીનની ક્ષારતા અને ’મેક્રોફોમિના ફેઝિઓલિના’ જેવી ઘાતક ફૂગ સામે લડવાની ક્ષમતા આપે છે. આ ટેકનોલોજીના કારણે પાક વધુ મજબૂત બને છે અને પ્રતિકૂળ હવામાનમાં પણ ખેડૂતોને પાકનું સારું ઉત્પાદન મળી રહે છે. આ સંશોધનની વ્યાપક અસર અંગે વિગતો આપતાં ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે, ભાવનગર સંસ્થાની આ ટેકનોલોજીથી બનેલા ખાતરનો ઉપયોગ દેશના 35 લાખ હેક્ટરથી વધુ ખેતરોમાં થઈ ચૂક્યો છે.

આ ટેકનોલોજીએ ભારતના બાયોસ્ટિમ્યુલન્ટ માર્કેટમાં 13 થી 15 ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો કબજે કરી લીધો છે અને તેનાથી દેશના ખેડૂતોની વાર્ષિક આવકમાં અંદાજે રૂૂ. 3,000 કરોડનો આર્થિક ઉમેરો થયો છે. સંસ્થા દ્વારા ટેકનોલોજી મેળવનાર જૂથોમાં 75 ટકા હિસ્સો સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (MSME) નો રહ્યો છે.

દરિયાઈ સંપત્તિના ઔદ્યોગિક ઉપયોગ અંગે વાત કરતા (CSIR-CSMCRI)ના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ કમલેશ પ્રસાદે જણાવ્યું હતું કે આ કરારથી દરિયાઈ જૈવિક સામગ્રીનો ઔદ્યોગિક સ્તરે ઉપયોગ વધશે. સંસ્થાએ આ સિવાય ગ્રેસીલેરિયા, સરગાસમ અને સોલેરિયા જેવા અન્ય શેવાળ પર આધારિત મંજૂર થયેલી ટેકનોલોજી પણ વિકસાવી છે. સરગાસમ જેવી શેવાળને કુદરતી સ્ત્રોતોમાંથી એકઠી કરીને મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સમાં ફેરવવામાં આવી રહી છે. આ સમગ્ર ચક્રથી એક તરફ ભારતીય ખેતી ઓર્ગેનિક અને વધુ ઉત્પાદક બનશે, તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને માછીમારો અને મહિલાઓને શેવાળની ખેતી તથા પ્રોસેસિંગમાંથી બારેમાસ નવી રોજગારી મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *