ભાવનગર મહાપાલિકાનું 425.31 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર

ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ 2026-27ની બજેટ સભા આજે સભાગૃહમાં મેયર ભરતભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા મહાનગરપાલિકાનું પુરાંતલક્ષી બજેટ રજૂ…

ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ 2026-27ની બજેટ સભા આજે સભાગૃહમાં મેયર ભરતભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા મહાનગરપાલિકાનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રજૂ થયેલ બજેટ મુજબ વર્ષાંતે રૂૂ. 425.31 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રૂૂ. 170.62 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા-વધારા સાથે મંજૂર કરી સાધારણ સભા સમક્ષ રજુ કર્યું હતું. શિક્ષણ સમિતિએ આવક-ખર્ચ સમતોલ રાખી એટલા જ ખર્ચની જોગવાઈ દર્શાવી છે.

મહાનગરપાલિકાના સૂચિત બજેટમાં રૂૂ. 468 કરોડની ઉઘડતી સિલક દર્શાવવામાં આવી છે. વર્ષ દરમિયાન સામાન્ય આવક, કેપિટલ આવક અને અસાધારણ આવક મળી કુલ રૂૂ. 2326.11 કરોડની આવકનો અંદાજ મૂકાયો છે. સામે સામાન્ય, કેપિટલ અને અસાધારણ ખર્ચ માટે રૂૂ. 1900.80 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવાયો છે, જેના પરિણામે વર્ષાંતે રૂૂ. 425.31 કરોડની પુરાંત રહેવાનો અંદાજ રજૂ થયો છે.

બજેટ મુજબ કુલ ખર્ચમાંથી 42 ટકા રકમ વિકાસકામો માટે ફાળવવામાં આવી છે. 20 ટકા ક્ધટીજન્સી ખર્ચ, 9 ટકા પગાર-ભથ્થા, 8 ટકા પ્રાથમિક શિક્ષણ અને 1 ટકા અન્ય ખર્ચ માટે જોગવાઈ કરવામાં આવી છે. તમામ જોગવાઈ બાદ કુલ આવકના આશરે 20 ટકા જેટલી પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત થયો છે. આ વચ્ચે બજેટ સભા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

કોંગ્રેસના સભ્યો વારંવાર સભાખંડમાંથી અંદર-બહાર જતા હોવાના મુદ્દે ભાજપના એક સભ્યે તેઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી. મેયર ભરતભાઈ બારડે વિશેષ અધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસના સાત સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.

આ નિર્ણય બાદ સભામાં તંગદિલી સર્જાઈ હતી અને મેયર ભરતભાઈ બારડ તથા પૂર્વ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા વચ્ચે સામસામી ઉગ્ર વાદવિવાદ થયો હતો.મેયરની સૂચનાથી કોંગ્રેસના સભ્યોને સભાખંડ બહાર કાઢવામાં આવ્યા હતા.

બાદમાં શહેર ભાજપ પ્રમુખ અને કોર્પોરેટર કુમારભાઈ શાહની વિનંતી પર સસ્પેન્ડ સભ્યોને ફરી સભામાં બેસવાની મંજૂરી આપવામાં આવી હતી. ભારે ગહન ચર્ચા વચ્ચે બજેટ બેઠક મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *