ભાવનગર ગરમીના પ્રકોપથી ‘ભડકે બળ્યું’ સિઝનનું સૌથી વધુ 45.2 ડીગ્રી તાપમાન

ગોહિલવાડ પંથકમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કરતાં ભાવનગરમાં સિઝનની સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા જ્યારે સાંજ…

ગોહિલવાડ પંથકમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કરતાં ભાવનગરમાં સિઝનની સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા જ્યારે સાંજ બાદ આઈસ્ક્રીમ પાર્લર, ઠંડા પીણાની દુકાનો અને બગીચાઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રીના ઉછાળા સાથે 45.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 20 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હતી. દિવસભર લૂ ફૂંકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

તળાજાની સરકારી હોસ્પિટલમાં ગરમીજન્ય બિમારીઓના દર્દીઓનો ભારે વધારો નોંધાતા તમામ ખાટલાઓ દર્દીઓથી ભરાઈ ગયા હતા. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. સાકીયાએ જણાવ્યું હતું કે ભારે ગરમીના કારણે શરીરમાંથી વધુ પરસેવો નીકળે છે અને જરૂૂરી કાળજી ન લેવાતા લોકો વિવિધ રોગોના ભોગ બની રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતા મોટાભાગના દર્દીઓ શ્રમિક અને આર્થિક રીતે સામાન્ય પરિવારોના હોય છે, અનેક દર્દીઓને માત્ર દવા કે ઇન્જેક્શનથી રાહત ન મળતા તેમને દાખલ કરી બાટલા ચડાવવાની ફરજ પડી રહી છે.હાલ ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે.

ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું’ છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મહતમ તાપમાન 45 ડીગ્રી પાર થયું છે. 45.2 ડીગ્રી સાથે ભાવનગર રાજયનું સૌથી ગરમ જાહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 43.7 ડીગ્રી, ગાંધીનગરમાં 43.5 ડીગ્રી તથા રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગે સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *